મણિપુરમાં હુમલાખોરોના નિશાના પર BJP નેતા, સુરક્ષા દળો સાથે રાતભર અથડામણ
HD ન્યુઝ ડેસ્કઃ મણિપુરમાં હિંસાનો તબક્કો હજુ અટક્યો નથી. ઇમ્ફાલ શહેરમાં ટોળા અને સુરક્ષા દળો વચ્ચે રાત સુધી અથડામણમાં બે નાગરિકો ઘાયલ થયા હતા. બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈમાં આખી રાત ફાયરિંગ થયું હતું. આ સાથે જ ટોળાએ ભાજપના નેતાઓના ઘરોને પણ આગ ચાંપવાનો પ્રયાસ કર્યો છે.
હથિયારો લૂંટવાનો પ્રયાસઃ આ ઉપરાંત ટોળાએ ઇમ્ફાલ પશ્ચિમમાં ઇરિંગબામ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો. જો કે કોઇ હથિયાર લઇ શક્યા ન હતા. તાજેતરના ઘટનાક્રમ બાદ નવી રણનીતિ બનાવીને બદમાશો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભીડને એકત્ર થવાથી રોકવા માટે, આર્મી, આસામ રાઇફલ્સ અને મણિપુર રેપિડ એક્શન ફોર્સે ચાર્જ સંભાળ્યો અને રાજધાનીમાં મધરાત સુધી સંયુક્ત કૂચ કરી હતી.
ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસઃ અગાઉના દિવસે, શુક્રવારે ટોળાએ ઇમ્ફાલ શહેરના મધ્યમાં રસ્તાઓ બંધ કરી દીધા હતા અને મિલકતોને આગ ચાંપી દીધી હતી. ગુરુવારે રાત્રે ટોળાએ ઇમ્ફાલ પૂર્વ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી આરકે રંજન સિંહના ઘર પર હુમલો કર્યો હતો. અહીં ટોળાએ પહેલા તોડફોડ કરી, પછી ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લગાવી. સુરક્ષાકર્મીઓ અને ફાયરમેનોએ ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોર ટોળું પેટ્રોલ બોમ્બ લઈને આવ્યું હતું અને મંત્રીના આવાસને ચારે બાજુથી ઘેરી લઈને હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ મણિપુર હિંસા પર તમારું મૌન લોકોના ઘા પર મીઠું ભભરાવી રહ્યું છે : કોંગ્રેસ અધ્યક્ષનો પીએમ મોદી પર કટાક્ષ