ગુજરાતટ્રેન્ડિંગ

ચોટીલા થાન હાઇવે ઉપરની કોટન ફેક્ટરીના રૂ.200 કરોડથી વધુના ઉઠમણાથી ખેડૂતો-વેપારીઓમાં દોડધામ

  • ફેકટરીમાં કામ કરતા 250 જેટલા મજૂરોને પણ પગાર ચૂકવ્યો ન હતો
  • કોટન ફેકટરીના સંચાલકો દ્વારા 200 કરોડ જેટલી રકમનું ઉઠમણુ કરી નાસી ગયા
  • અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

ચોટીલા થાન હાઇવે ઉપરની કોટન ફેક્ટરીના રૂ.200 કરોડથી વધુના ઉઠમણાથી ખેડૂતો-વેપારીઓમાં દોડધામ મચી છે. જેમાં ચોટીલા-થાન હાઈવે પરની જિનિંગ મિલમાં કામ કરતા 250 શ્રામિકોને પગાર કર્યા વગર જ સંચાલકો છૂમંતર થયા છે. તેમાં ભોગ બનેલા ખેડૂતો, વેપારીઓની વિગતો એકઠી કરી ફરિયાદની કાર્યવાહી કરાશે તેમ પોલીસે જણાવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ અને ગરમીની આગાહી, જાણો કયા કેવુ રહેશે વાતાવરણ 

કોટન ફેકટરીના સંચાલકો દ્વારા 200 કરોડ જેટલી રકમનું ઉઠમણુ કરી નાસી ગયા

ચોટીલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, ખેડૂતો મોટી રકમનો ભોગ બન્યા હોવાથી APMCના ચેરમેન પણ મિલ પર દોડી ગયા હતા. ચોટીલા થાન હાઇવે ઉપરની કોટન ફેકટરીના સંચાલકો દ્વારા 200 કરોડ જેટલી રકમનું ઉઠમણુ કરી નાસી ગયા બાદ મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો અને વેપારીઓ ફેકટરીએ દોડી ગયા હતા. ફેકટરીને રાતોરાત આવજો કરીને નાસી ગયેલા સંચાલકો બાદ માત્ર મજૂરો જ હાજર હોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ ચોટીલા પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. વધુ પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા થાનગઢ હાઇવે ઉપર સિધ્ધનામ કોટેક્ષ પ્રા.લિ.નામની ફેકટરીમાં જીનીંગ અને સ્પીનીંગની કામગીરી કરાતી હતી.

ફેકટરીમાં કામ કરતા 250 જેટલા મજૂરોને પણ પગાર ચૂકવ્યો ન હતો

એકાએક કંપની મંદીમાં સપડાઇ હોય એમ વેપારીઓ અને ખેડૂતોને ગત તા.15મી ઓગસ્ટ નજીકની તારીખના ચેક આપ્યા હતા. પરંતુ ખેડૂતોને આપેલા ચેક પાસ ન થતા અને વેપારીઓને આપેલા સમયે નાણાં નહીં મળતા પેઢી ગયાની જાણ થતા મંગળવારે મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો ફેકટરી સામે ઉમટી પડયા હતા. બીજી તરફ ફેકટરીમાં કામ કરતા 250 જેટલા મજૂરોને પણ પગાર ચૂકવ્યો ન હતો. જેથી તેઓ પણ ફેકટરી સામે પહોચી ગયા હતા. બીજી તરફ ફેકટરી સંચાલકો કે મેનેજર સહિતના તમામ સ્ટાફ ફેકટરી છોડીને ચાલી ગયા હોવાથી માત્ર પરપ્રાંતીય શ્રમીકો જ હાજર હતા. જેથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચોટીલા પી.આઇ. આઇ.બી.વલવીએ ફેકટરી ઉપર તુરત જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તાલુકા ગ્રામ્યના ખેડૂતોની સાથે ચોટીલા એપીએમસીના વેપારીઓના પણ નાણા ચુકવવાના બાકી હતા. ખેડૂતો, વેપારીઓની રજૂઆતના પગલે ચોટીલા એપીએમસીના ચેરમેન જયરાજભાઇ ભરતભાઇ ધાંધલ પણ તાત્કાલિક ફેકટરી ઉપર પહોચી ગયા હતા અને જે લોકોને નાણા લેવાના બાકી છે એ લોકોને ફરિયાદ કરાવવા માટેની તેઓએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આમ પ્રાથમીક જાણકારી મુજબ રૂ.200 કરોડનું ઉઠમણુ કરી સંચાલકો નાસી ગયાનું જાણવા મળ્યુ છે.

Back to top button