બામાકો (માલી), 25 જાન્યુઆરી: આફ્રિકન દેશ માલીમાં સોનાની ખાણ ધસી પડતાં 70થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધવાની આશંકા છે. હાલ ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અલ જઝીરાની રિપોર્ટ મુજબ, દક્ષિણપશ્ચિમ માલીમાં ગયા શુક્રવારે સોનાની ખાણ ધસી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે અકસ્માત એવા વિસ્તારમાં થયો છે જ્યાં ઘણીવાર ખાણકામમાં અકસ્માત થવાની સંભાવના રહે છે. માલીના ખાણ મંત્રાલયે બુધવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ કૌલીકોરો ક્ષેત્રના કંગાબા જિલ્લામાં થયેલા અકસ્માતમાં 70 લોકોએ જીવ ગુમાવ્યા છે.
More than 70 people are dead after an informal gold mine collapsed in Mali, reports The Associated Press citing officials
— ANI (@ANI) January 24, 2024
દુર્ઘટના બાદ મંત્રાલયે ખાણકામમાં રોકાયેલા કામદારોને તમામ જરૂરી સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. મંત્રાલયના પ્રવક્તા બે કોલિબેલીએ જણાવ્યું હતું કે સોનાની ખાણમાં પ્રવેશેલા કામદારોએ સલામતી અંગે જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી. કુલીબલીએ કહ્યું કે અમે અનેકવાર આ અંગે ચેતવણીઓ જારી કરી હતી. બીજી તરફ, માલી સરકારે શોકગ્રસ્ત પરિવારો અને લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
મૃત્યુઆંક વધી શકે છે, બચાવ ચાલુ
એક અધિકારીએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધવાના ભય વચ્ચે બચાવ કાર્ય કરાયું હતું. ઘટનાસ્થળે હાજર માલી ચેમ્બર ઑફ માઈન્સના પ્રમુખ અબ્દુલયે પૌનાના જણાવ્યા અનુસાર, ખાણ જ્યારે પડી ત્યારે તેની અંદર લગભગ 100 લોકો હતા. તેમણે કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ કૌલીકોરો ક્ષેત્રના કંગાબા જિલ્લામાં શુક્રવારે થયેલા અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
આફ્રિકામાં સોનાના ઉત્પાદનમાં માલી ત્રીજા ક્રમે
માહિતી અનુસાર, માલી આફ્રિકન દેશોમાં સોનાના ઉત્પાદનના સંદર્ભમાં ત્રીજા સ્થાને છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલીમાં આવી ઘટનાઓ સામાન્ય છે. ખાણિયાઓ મોટાભાગે ગેરકાયદેસર રીતે સોનાની ખાણોમાં પ્રવેશ કરે છે અને આ દરમિયાન સલામતીની સૂચનાઓનું પાલન કરવામાં આવતું નથી, જેના કારણે આવા અકસ્માતો થાય છે. માઇનિંગ ડિરેક્ટોરેટના અધિકારી બાર્થેએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળવા માટે સરકારે કડક સૂચનાઓ જારી કરવી જોઈએ. મહત્ત્વનું છે કે, માલીના 20 લાખથી વધુ લોકો એટલે કે 10 ટકા વસ્તી આવક માટે ખાણકામ પર નિર્ભર છે. માલીના ખાણ મંત્રાલયનો અંદાજ છે કે દેશમાં 800 ટન સોનાનો ભંડાર છે.
આ પણ વાંચો: મિઝોરમમાં મ્યાનમાર આર્મીનું પ્લેન ક્રેશ, એરપોર્ટ પર લેન્ડિંગ વખતે અકસ્માત