- સૌરાષ્ટ્ર – ગુજરાતના 31 જળાશયો ઓવરફલો થયા
- 44 જળાશયોમાં 70 ટકા અને 80 જળાશયોમાં 50 ટકા પાણી
- રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર 61ટકા ભરાયો
ગુજરાતમાં તમામ જિલ્લા – તાલુકાઓમાં પ્રારંભે જ શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તા.14 જુલાઈએ સવારે 8 કલાકની સ્થિતિએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના 31 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે જયારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે તેમ સ્ટેટ ફ્લડ કંટ્રોલ સેલ ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.
ક્યાં જળાશયો સંપૂર્ણ છલકાયા ?
રાજ્યમાં 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદનું ઉમરીયા, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જૂનાગઢનું ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-1, મોટા ગુજેરીયા, રાજકોટનું વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરનું મોર્શલ કચ્છનું બેરાછીયા, કંકાવટિ, જાન્ગડિયા ગજાનસર, ગજોડ, કાલાગોગા, ડોન અને ગોઢાતડ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-1 અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે તેમ અહેવાલમાં જણાવાયું છે.
અન્ય જળાશયોની સ્થિતિ ?
આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 58.48 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયો 33.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 37.09 ટકા, કચ્છના 20 જળાશયો 64.05 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ-141 જળાશયોમાં 61.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે તેમ, ફ્લડ કંટ્રોલ સેલના અહેવાલમાં વધુમાં જણાવાયું છે.