ફેસ્ટિવલ સિઝનમાં 28 લાખથી વધુ વાહનોનું વેચાણ! ગુજરાતમાં 33.39 ટકાનો વધારો નોંધાયો
- ઓકટોબર 2023ની સરખામણીએ ઓકટોબર 2024માં ઓટોમોબાઈલ સેક્ટરમાં વધારો જોવા મળ્યો
નવી દિલ્હી, 07 નવેમ્બર: ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)એ ઓક્ટોબર 2024માં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, કોમર્શિયલ વ્હીકલ (CV), પેસેન્જર વ્હીકલ (PV) અને ટ્રેક્ટરના વેચાણના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ, ગત ઓક્ટોબર 2023ની સરખામણીએ ઓક્ટોબર 2024માં નવરાત્રિથી દિવાળી દરમિયાન સમગ્ર દેશમાં વાહનોના વેચાણમાં 32.14 ટકા અને ગુજરાતમાં 33.39 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં ઓક્ટોબર 2024માં 2,94,296 વાહનોનું વેચાણ/રજીસ્ટ્રેશન થયું છે જે ઓક્ટોબર 2023માં 2,20,624 હતું.
ઓકટોબર 2023માં, દેશભરમાં 21,43,929 વાહનોનું વેચાણ/રજિસ્ટર્ડ થયું હતું, જે ઓકટોબર 2024માં વધીને 28,32,944 થયું હતું, જેનો અર્થ છે કે નવરાત્રિથી દિવાળીના સમયગાળા દરમિયાન દેશભરમાં વાહનોનું વેચાણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ રહેશે. વર્ષ 32.14 ટકા વધુ નોંધાયું છે.
ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોને પણ વેગ મળ્યો:
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ (CV), પેસેન્જર વ્હીકલ્સ (PV) અને ટ્રેક્ટરના વેચાણ પર જારી કરાયેલા આંકડા અનુસાર, ટુ વ્હીલરની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં ટુ વ્હીલર્સની સંખ્યા વધી છે. દેશમાં ઓક્ટોબર 2023માં 15,14,634ની સરખામણીએ ઓકટોબર 2024માં ભારતમાં 20,65,095 ટુ વ્હીલર્સ વાહનોનું વેચાણ થયું છે, જે ગયા સમય કરતાં 36.34 ટકા વધુ છે. ગુજરાતમાં 40.64 ટકાનો સમાન વધારો નોંધવામાં આવ્યો છે, જેમાં ઓક્ટોબર 2023માં 1,49,407ની સરખામણીમાં ઓક્ટોબર 2024માં 2,10,121 ટુ વ્હીલર વાહનોનું વેચાણ થયું છે.
ઓક્ટોબર 2024માં સમગ્ર દેશમાં 1,10,221 થ્રી વ્હીલર વાહનોનું વેચાણ થયું હતું, જે ઓક્ટોબર 2024માં 11.45 ટકા વધીને 1,22,846 થયું હતું. ગુજરાતની વાત કરવામાં આવે તો થ્રી વ્હીલર વાહનોના વેચાણમાં 40.97 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર 2023માં 8625 થ્રી વ્હીલરની સરખામણીમાં ઓક્ટોબર 2024માં 12,159 થ્રી વ્હીલરનું વેચાણ નોંધાયું છે.
કોમર્શિયલ અને પેસેન્જર કારની માંગ પણ વધી:
આવી જ રીતે ઓક્ટોબર 2024 દરમિયાન, સમગ્ર દેશમાં 6.37 ટકા કોમર્શિયલ એટલે કે ટ્રક, બસ સહિતના વાહનોના વેચાણમાં અને 32.38 ટકા પેસેન્જર વાહન એટલે કે ફોર વ્હીલરના વેચાણમાં વધારો નોંધવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં 4,83,159 યુનિટ ફોર-વ્હીલર્સ વાહનોનું વેચાણ નોંધાયું છે. જે ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા 3,64,991 એકમો કરતાં 32.38 ટકા વધુ છે.
ગુજરાત માટેના પણ ખૂબ જ પ્રોત્સાહક આંકડા બહાર આવ્યા છે, જે મુજબ કોમર્શિયલ વાહનોમાં 29.43 ટકા તો પેસેન્જર વાહનોમાં 28.98 ટકાથી વધુ ઓક્ટોબર 2023ની સરખામણીએ ઓક્ટોબર 2024માં નોંધાયું છે.
ટ્રેક્ટરના વેચાણમાં 3.08 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર 2024માં 64,433 ટ્રેક્ટર વેચાયા હતા જે ઓક્ટોબર 2023માં 62,507 હતા. ગુજરાતમાં ટ્રેક્ટરના વેચાણ પર નજર કરવામાં આવે તો ઓટોમોબાઈલ સેક્ટરના આંકડા તદ્દન નિરાશાજનક સાબિત થયા છે. ઓકટોબર 2023માં 12,226ની સરખામણીમાં ઓકટોબર 2024માં 7021 ટ્રેક્ટર વેચાયા હતા, જે 42.57 ટકા ઓછા છે.
ગુજરાતના FADAના સ્ટેટ ચેરપર્સન શું કહ્યું?
FADA, ગુજરાતના સ્ટેટ ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્યું હતું કે, આ વર્ષે ઓક્ટોબર મહિનામાં નવરાત્રી, દશેરા, દિવાળી જેવા તહેવારોનો સમાવેશ થાય છે, જેનાથી ઓટોમોબાઈલ ક્ષેત્રને ફાયદો થયો છે. હવે એ પણ જોવા મળી રહ્યું છે કે, શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોની ખરીદશક્તિ પણ વધી રહી છે. પ્રણવ શાહે વધુમાં કહ્યું કે, “ગયા વર્ષની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં પણ વાહનોના વેચાણમાં વધારો થયો છે. તહેવારો દરમિયાન લોકોએ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફરનો પણ લાભ લીધો છે. આ વર્ષ ઓટોમોબાઈલ માટે સારું સાબિત થઈ રહ્યું છે.
આ પણ જૂઓ: ગુડ ન્યૂઝ: સ્કોડાની સૌથી સસ્તી SUV થઈ લોન્ચ, ફીચર્સ જાણી ચાહકો છે ખુશ