ગુજરાતઃ નર્સિંગનો અભ્યાસ કરવામાં યુવક-યુવતીઓમાં ઉદાસીનતા? જાણો હજુ કેટલી બેઠકો ખાલી છે?
HD ન્યૂઝ ડેસ્ક : ગુજરાતમાં નર્સિંગના અભ્યાસમાં ભારે ઉદાસીનતા જોવા મળે છે. હાલમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાના જે આંકડા જાહેર થયા છે તેના પરથી આ તારણ સ્પષ્ટપણે નીકળે છે. ધોરણ 12 સાયન્સ પછીના બોર્ડ પરિણામ આધારીત (નીટ સિવાયના) પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ચોથા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ આજે કરી દેવાયુ છે. નર્સિંગ અને ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ અભ્યાસક્રમો માટેના ચોથા પ્રવેશ રાઉન્ડના અંતે 27,538 બેઠકો ખાલી રહી હતી અને તે તે આટલા વર્ષોમાં રેકોડબ્રેક છે.
આ રાઉન્ડમાં સીટો ફાળવવામાં આવેલ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશની પુષ્ટિ થાય છે તે જોવું રહ્યું.
પેરામેડિકલ અને નર્સિંગ કોર્સમાં 42,549 બેઠકો સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી. ચાર રાઉન્ડ બાદ 15,011 સીટો ફાળવવામાં આવી હતી. ચોથા રાઉન્ડ દરમિયાન, 6,127 વિદ્યાર્થીઓએ તેમની પસંદગી સબમિટ કરી હતી પરંતુ માત્ર 3,266 વિદ્યાર્થીઓને જ સીટ ફાળવણી મળી હતી. સીટ મેળવનાર વિદ્યાર્થીઓએ 22 નવેમ્બર સુધીમાં ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.
હાલમાં, ANMમાં 6,622, BPTમાં 2,930, BSc નર્સિંગમાં 7,362 અને GNMમાં 10,294 જગ્યાઓ ખાલી છે. ચોથા રાઉન્ડના વિદ્યાર્થીઓએ તેમના પ્રવેશની પુષ્ટિ કર્યા પછી અંતિમ ખાલી જગ્યાઓની ગણતરી નક્કી કરવામાં આવશે.
પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર 30 નવેમ્બર સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે…
આ પણ વાંચો : ચેતવણી! વાવાઝોડા સાથે ભારે વરસાદ, 7 રાજ્યોમાં તીવ્ર ઠંડી; જાણો કેવું રહેશે હવામાન?