કચ્છમાં બિપરજોય વાવાઝોડાના કારણે 26 હજારથી વધારે લોકો શેલ્ટરહોમમાં; બચાવ કામગીરી યથાવત
- કચ્છમાં બિપરજોય વાવાઝોડાના ૨૬૪૪૮ અસરગ્રસ્તો માટે શેલ્ટરહોમ બન્યા સલામતીનું બીજું સરનામું.
- ૧૮૭ શેલ્ટરહોમમાં સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, મેડીકલ ટીમ, આંગણવાડી,આશા વર્કરોની ટીમ તથા સામાજિક કાર્યકરો અને અધિકારીઓ નાગરીકોની સેવા માટે ખડેપગે તૈનાત.
- ચા-નાસ્તા, ભોજન, દવા, બાળકો માટે તાજું દૂધ, મિલ્ક પાઉડર, ઘોડીયા તથા રમકડા સહિતની વ્યવસ્થા વહીવટીતંત્ર, સામાજિક સંસ્થા તથા આગેવાનો દ્વારા કરાઇ.
ભુજ, ગુરૂવાર: કચ્છ બિપરજોયની ઘાત સામે ભાથ બીડવા સંપૂર્ણ રીતે સજજ છે. વાવાઝોડાના કારણે ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે કેન્દ્ર તથા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા રાહત-બચાવ તથા આશ્રયસ્થાનો પર પહોંચેલા લોકો માટે સગવડતાનું સંપૂર્ણ આયોજન કરાયું છે. ત્યારે છેલ્લા બે દિવસમાં તંત્રે દરીયાઇ પટ્ટીના ૦ થી ૧૦ કિ.મીના ગામોના નાગરીકોનું ૧૦૦ ટકા સ્થળાંતર કરાવી લીધું છે.
વર્તમાન સ્થિતિએ જે કચ્છમાં ૧૮૭ શેલ્ટર હોમમાં ૨૬૪૪૮ અસરગ્રસ્તોએ આશરો લીધો છે. જેની સલામતી તથા સુખ-સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાઓના સહયોગથી જડબેસલાક સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.
વર્તમાન સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા કુલ ૪૯૦૫૩ નાગરિકોનું જોખમી વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ૩૫૮૯ બાળકો, ૧૩૫૦ વૃધ્ધ તથા ૫૫૨ સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે. ૪૯૦૫૩ અસરગ્રસ્તો પૈકી ૨૬૪૪૮ નાગરીકોએ વહીવટીતંત્ર દ્વારા ઉભા કરાયેલા આશ્રયસ્થાનો પર આશરો લીધો છે. જેમાં માંડવી તાલુકામાં ૨૬૨૬, ગાંધીધામ તાલુકામાં ૨૨૨૩, અંજાર તાલુકામાં ૧૦૯૫, મુંદરા તાલુકામાં ૪૭૬૩, ભચાઉ તાલુકામાં ૧૧૪૯, લખપત તાલુકામાં ૪૯૬૭, અબડાસા તાલુકામાં ૭૪૫૯, નખત્રાણા તાલુકામાં ૨૧૬૬ અસરગ્રસ્તોએ શેલ્ટર હોમમાં આશરો લીધો છે.
કલેકટરના માર્ગદર્શન હેઠળ સુવિધા ઉભી કરવામાં આવી:
શેલ્ટર હોમમાં આશ્રયલેનાર અસરગ્રસ્તોને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. પ્રાથમિક સુવિધામાં પૈકી શુધ્ધ પાણી, શૌચાલય, દવા,ચા-નાસ્તા, સુકો નાસ્તાના ફુડ પેકેટ, બે ટાઇમ ગરમ ભોજનની વ્યવસ્થા, લોકોની સુરક્ષા માટે ૨૪ કલાક પોલીસ બંદોબસ્ત, મેડીકલ ટીમની તૈનાતી, જનરેટર સેટ, ઇન્વર્ટર બલ્બ, હેન્ડ ટોર્ચ સહિતની સુવિધા ઉપરાંત મોનીટરીંગ માટે ગામના સરપંચ, આગેવાનો તથા અધિકારીશ્રીઓ સતત ઉપસ્થિત હોય છે.
વૃધ્ધો, સર્ગભા મહિલાઓનું રૂટિન ચેકઅપ સહિતની કામગીરી શેલ્ટર હોમમાં ખાતે કરવામાં આવે છે. આ સાથે નાના બાળકો માટે ખાસ રમકડા, ઘોડીયા, બે ટાઇમ તાજું દૂધ, મિલ્ક પાઉડર સહિતની અલાયદી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ અંગે માંડવી તાલુકાના પીપરી ગામના સરપંચ વાલાભાઇ સંઘાર જણાવે છે કે, અમારા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મોઢવા ગામના ૩૫૦ લોકોને તંત્ર દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે. અહીં લોકોની સલામતી તથા સુવિધાની વયવસ્થા માટે ગામના આગેવાનો તેનાત છે.
સુરક્ષા માટે ૨૪ કલાક પોલીસ બંદોબસ્ત તંત્રે ફાળવ્યો છે. આ ઉપરાંત ગાદલા, ઓઢવા માટે ચાદર, ભોજન, શુધ્ધ પાણી, ચા-નાસ્તા,મેડીકલ ટીમ સહિતની તમામ સુવિધા અહીં ઉપલબ્ધ છે. અહીં આવેલા લોકોને કોઇપણ પ્રકારની અસુવિધા ઉભી ન થાય તેનું આગેવાનો તથા તંત્રના અધિકારીઓ મામલતદારશ્રી, પીએસઆઇ, તલાટી, ગ્રામ સેવક, શિક્ષક સહિતનો સ્ટાફ સતત મોનીટરીંગ કરી રહ્યો છે.
જયારે મસ્કા ગામે પ્રાથમિક શાળા તથા સાયક્લોન સેન્ટરમાં લોકોને આશ્રય આપવામાં આવ્યો છે ત્યારે અહીંના આગેવાન અને પૂર્વ સરપંચશ્રી ર્કિતીભાઇ ગોરે જણાવ્યું હતું કે, ગામના બંને આશ્રય સ્થાન પર સ્થાનિક તથા પરપ્રાંતિય મળીને ૨૯૦ લોકોને રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થા કચ્છના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં ૨૦૦ લોકો છે જેમાં ૪૪ સ્ત્રી તથા ૨૦ બાળકોનો સમાવેશ થાય છે. ત્યારે ખાસ તેઓના સ્વાસ્થ્યને લઇને જમવામાં કઠોળ, દૂધ, ફળ તથા પૌષ્ટિક આહારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બાળકોને દિવસ દરમિયાન ભૂખ લાગે તો સૂકા નાસ્તાના ફૂડ પેકેટ અલગથી આપવામાં આવે છે. આ ઉપરાંત બે ટાઇમ ચા-નાસ્તા તથા બે ટાઇમનું ભોજન આપવામાં આવી રહ્યું છે. જે ગામમાં જ બનાવવામાં આવે છે. સેનીટેશન, પાણી સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. દવાનો પૂરતો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. વાવાઝોડાની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સાથે અમે ખડેપગે તૈયાર હોવાની તૈયારી તેમણે દર્શાવી હતી.
અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ અમને સલામતી સાથે સુવિધા આપી:
પીપરી ગામમાં આશરો મેળવનાર મોઢવાના લખન નુરમામદ આરબ તથા મસ્કા ગામમાં શેલ્ટર હોમમાં રહેતા સાબરાખાતુન જણાવે છે કે, વાવાઝોડાના કારણે સલામતી અને સુરક્ષા હેતું અમારા કાચા મકાન છોડીને અહીં આશરો મેળવ્યો છે. આફત આવે તે પૂર્વે જ સરકાર દ્વારા અગાઉથી જ અમને સલામત રીતે અહીં ખસેડી દેવાયા હોવાથી અહીં અમે સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છીએ.
તે ઉપરાંત તેમને કહ્યું કે, ખુદાનો આભાર વ્યકત કરીએ છીએ કે, સરકારની મદદથી અમારો પરિવાર આ આફતમાંથી આબાદ ઉગરી ગયો છે. ઉપરાંત અહીં તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી હોવાથી પરીવારના વૃધ્ધો , સર્ગભા મહિલા , બાળકો સહિત કોઇને મુશ્કેલી પડી રહી નથી. વહીવટીતંત્રે ઘર જેવી તમામ સુખ-સુવિધા અમારા માટે અહીં ઉપલબ્ધ કરાવી હોવાથી અમે મુખ્યમંત્રીશ્રીનો ખાસ આભાર વ્યકત કરીએ છીએ.
આ પણ વાંચો: બિપરજોય: રાજ્ય સરકારે એક સ્ટેપ આગળની જાહેરાત કરતા જણાવ્યું- શું કરવું ને શું ન કરવું?