ઉત્તર ગુજરાતગુજરાત

કાંકરેજના અરણીવાડા ગામે ખનીજ ચોરી કરતાં 100થી વધુ ડમ્પર અને ટ્રેલરો ઝડપાયા

Text To Speech

પાલનપુર, 11 સપ્ટેમ્બર 2024, બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ/ રેતી ખનન કરતાં તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલની સૂચનાના આધારે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ દ્વારા બિનઅધિકૃત ખનીજ પ્રવૃતિને અટકાવવા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જે સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી વહન કરતાં ૧૦૦ થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી મોટી ખનીજ ચોરી અટકાવી છે.

વાહન ચાલકો રસ્તામાં જ રેતી ખાલી કરીને નાસી છૂટયા
કાંકરેજ તાલુકના અરણીવાડા ગામે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ સાથે મહેસાણા, પાટણ, અમદાવાદ જિલ્લાની તપાસ ટીમો તેમજ ગાંધીનગર ફલાઈગ સ્કવોર્ડ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવી હતી. જે તપાસ ટીમોએ તમામ વાહનોનું ચેકીંગ કરતાં મોટાભાગના વાહનો રોયલ્ટી વગર જણાયા હતા. જેથી ભૂસ્તર વિભાગની ટીમોએ તપાસ કરી હાલ ૧૦૦ જેટલા ડમ્પર અને ટ્રેલરોને સ્થળ પર સીઝ કર્યા છે. ભૂસ્તર વિભાગની ટીમની અચાનક રેડથી અનેક વાહન ચાલકો રસ્તામાં જ રેતી ખાલી કરીને નાસી છૂટયા હતા. જે જપ્ત કરાયેલા વાહનોના વાહન માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ નિયમો–૨૦૧૭ના નિયમોનુસાર હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખનીજ ચોરી કરતાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો
જ્યારે ડીસા તાલુકાના મહાદેવયાની બનાસ નદી પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન, વહન કરતાં એક ડમ્પર, એક હિટાચી મશીન તેમજ લોડર મશીન સીઝ કરવામાં આવ્યુ છે. બાંધકામ ક્ષેત્રમાં બનાસ નદીની રેતીની ખૂબજ માંગ હોઈ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં સાદી રેતીની ૨૩૪ જેટલી લીઝો આવેલી છે. આ ઉપરાંત પણ કેટલાક ખનિજ માફીયાઓ દવારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીનો મૂકી ખનન કરવામાં આવતુ હોવાની ફરિયાદો જિલ્લા કલેકટરને મળતાં કાર્યવાહી કરવામાં આવી છે. જે અન્વયે ભૂસ્તરશાસ્ત્રી દવારા આવા ખનિજ ચોરી કરતાં ઈસમો સામે કડક કાર્યવાહી કરતા ખનીજ ચોરી કરતાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચોઃડીસાઃ બનાસ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન, 12 ડમ્પર અને 5 હિટાચી મશીન જપ્ત

Back to top button