ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પાકિસ્તાનના કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં નિંદાત્મક કૃત્યો સામે ભારતના સિખ સમુદાયમાં નારાજગી

  • પાકિસ્તાનની નાપાક ગતિવિધિઓથી ભારતના લોકો ગુસ્સે ભરાયા 
  • કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં નોન વેજ અને લિકર પાર્ટી થતી હોવાનો મનજિંદરસિંહ સિરસાનો દાવો
  • ગુરુદ્વારા નજીક યોજાયેલી પાર્ટીમાં લોકોએ નશામાં કર્યો ડાન્સ

નવી દિલ્હી: પાકિસ્તાનની નાપાક ગતિવિધિઓથી ભારતના લોકો ગુસ્સે ભરાયા છે. પાકિસ્તાનના કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં સિખ સમુદાયની ભાવનાઓ સાથે રમત રમાઈ છે. અહીં કરતારપુર સાહિબ સ્થિત ગુરુદ્વારાને અપમાનિત કરવામાં આવ્યું છે. કરતારપુર સાહિબના ગુરુદ્વારાની દર્શની દેવધીથી માત્ર 20 ફૂટ દૂર દારૂ અને નોન-વેજ પાર્ટીનું આયોજન કરી લોકોએ દારૂના નશામાં ડાન્સ કર્યો હોવાનો ભાજપના નેતા મનજિંદરસિંહ સિરસાએ દાવો કર્યો છે. આ પાર્ટીના ઘણા વીડિયો પણ ભાજપ નેતાએ સોશિયલ મીડિયામાં મૂક્યા છે.

ભાજપ નેતા મનજિંદરસિંહ સિરસાએ શું દાવો કર્યો ?

ભાજપ નેતા મનજિંદરસિંહ સિરસાએ દાવો કરતાં જણાવ્યું હતું કે, “નારોવાલમાં PMU(પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ) કરતારપુર કોરિડોર સમિતિએ કરતારપુર ગુરુદ્વારા વહીવટીતંત્રના સ્થાનિક ડેપ્યુટી કમિશનર અને DSP સહિતનાઓએ ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં દારૂ અને માંસ-મટન રાખવામાં આવ્યું હતું. જેથી આવા લોકો સામે કડક પગલાં લેવા જોઈએ. હું આ કૃત્યની સખત નિંદા કરું છું અને પાકિસ્તાન સરકારને અપીલ કરું છું કે તેઓ તેમની સામે કેસ નોંધે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દે…”

ભાજપ નેતાએ કરેલા દાવા પર SGPC પ્રવક્તા ગુરચરણસિંહ ગ્રેવાલે જણાવ્યું કે, “સમગ્ર સિખ સમુદાય આ શરમજનક ઘટનાની નિંદા કરે છે. પાકિસ્તાન સરકારે આ મામલે પગલાં લેવા જોઈએ. હું અકાલ તખ્ત કરતારપુર સાહિબના જથેદારને આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા વિનંતી કરું છું.” જ્યારે તખ્ત દમદમા સાહિબના જથેદાર ગિયાની હરપ્રીત સિંહ કહે છે, “આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. પાકિસ્તાન સરકારે જાણવું જોઈએ કે કરતારપુર સાહિબ ગુરુદ્વારા એક પૂજાનું સ્થળ છે. તેઓએ જવાબદારો સામે પગલાં લેવા જોઈએ.”

વીડિયોમાં લોકો નોન-વેજ અને દારૂની મજા લેતા જોવા મળ્યા

આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં લોકો દારૂના નશામાં જોરશોરથી ડાન્સ કરતા જોવા મળે છે. પંડાલમાં નોન-વેજ ફૂડ માટે ટેબલ રાખવામાં આવ્યું છે. આ પાર્ટીનો વીડિયો સામે આવ્યા બાદ સિખ સમુદાયમાં ભારે રોષ છે. આ પાર્ટી પાકિસ્તાનના પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના CEO મોહમ્મદ અબુ બકર આફતાબ કુરેશીએ આપી હતી.

પાકિસ્તાનના નારોવાલના ડીસી મોહમ્મદ શારુખ પોલીસ અધિકારીઓ સહિત વિવિધ સમુદાયોના 80 થી વધુ લોકો સાથે પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટીમાં પીળી પાઘડી પહેરેલા શીખ રમેશ સિંહ અરોરા, નારોવાલના ભૂતપૂર્વ MPA અને કરતારપુર કોરિડોરના રાજદૂત પણ હાજર હતા. આટલું જ નહીં કરતારપુર સાહિબના મુખ્ય ગ્રંથી જ્ઞાની ગોવિંદ સિંહ પણ આ પાર્ટીમાં જોડાયા હતા.

કરતારપુર સાહિબ શું છે?

કરતારપુર સાહિબ ગુરુદ્વારાને “ગુરુદ્વારા દરબાર સાહિબ” તરીકે ઓળખાય છે. શીખો માટે આ એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે, કારણ કે ગુરુ નાનક દેવે તેમના જીવનના છેલ્લા વર્ષો અહીં વિતાવ્યા હતા. નાનકજીએ અહીં 16 વર્ષ સુધી જીવન વિતાવ્યું હતું. ત્યારબાદમાં ગુરુ નાનક દેવે આ જ સ્થળે પોતાનો દેહ છોડ્યો હતો. જે બાદ અહીં ગુરુદ્વારા દરબાર સાહિબ બનાવવામાં આવ્યું હતું. આ સ્થળ પાકિસ્તાનના પંજાબના નારોવાલ જિલ્લામાં આવે છે. કરતારપુર અહીં આવેલું છે. આ સ્થળ લાહોરથી 120 કિલોમીટર દૂર અને ભારત-પાકિસ્તાન બોર્ડરથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે.

આ પણ જુઓ :કેનેડામાં જાહેરમાં શીખ પિતા અને પુત્રની ગોળી મારીને હત્યા

Back to top button