ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ગુજરાત NSUIમાં ભડકો : 300 હોદ્દેદારોના રાજીનામાં
ગુજરાતમાં દિવસે દિવસે કોંગ્રેસની સ્થિતિ વધુ વિકટ થઈ રહી છે. પાર્ટીના ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ રાજીનામું આપીને ભાજપમા ભરતી થઈ થઈ ગયાં છે. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બાદ પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ કોંગ્રસના સેંકડો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જ્યારે કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ ગયાં છે. હવે ગુજરાતમાં NSUIના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ NSUIમાં ભડકો થયો છે. પ્રમુખ પદે નરેન્દ્ર સોલંકી ચાર્જ સંભાળે તે પહેલાં 300 હોદ્દેદારોએ રાજીનામા આપી દીધાં છે.
પ્રભારી રઘુ શર્મા દ્વારા NSUIના પદોનો વેપાર કરવામાં આવ્યો
ગુજરાત NSUIના મહામંત્રી પાર્થ દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાત NSUIમાં વર્ષોથી કામ કરનાર વિદ્યાર્થીઓ માટે લડનારા અને અનેક પોલીસ કેસ અને લાઠીચાર્જ સહન કરનાર કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે. કોંગ્રેસની જુથબંધીનો ભોગ NSUIમાં સાચા કાર્યકર્તાઓ બને છે.પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી પાર્ટીના જુથબંધી થાળે પાડવા NSUIના પદોનો દુરઉપયોગ કરી રહ્યા છે. પ્રભારી રઘુ શર્મા દ્વારા NSUIના પદોનો વેપાર કરવામાં આવ્યો છે. જેથી NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા બાંહેધરી આપવામાં નહીં આવે તો કાલે લીસ્ટ સાથે જ અમદાવાદની કોલેજ અને યુનિવર્સિટીના 300 જેટલા હોદ્દેદારો રાજીનામુ આપ્યું છે અને રઘુ શર્મા દ્વારા આમ જ દખલગીરી કરી તો આવનાર દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લામાં હોદ્દેદારો રાજીનામુ આપશે.
સિનિયરને સાઈડ લાઈન કરી જુનિયરને મલાઈ આપી દેવાઈ
પાર્થ દેસાઈએ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી ડો. રઘુ શર્મા પર પણ ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે રઘુ શર્માને લઈને કહ્યું હતું કે, તેઓ જ્યારથી આવ્યાં છે ત્યારથી પાર્ટીમાં પદ આપવાનો વેપાર બની ગયો છે. પાર્ટીના નેતાઓ પદ માટે બોલી લગાવી રહ્યાં છે. સિનિયરને સાઈડમાં રાખીને જુનિયરને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. મોટા નેતાઓની જૂથબંધીનો શિકાર NSUI બની રહ્યું છે.
કોંગ્રેસ પ્રભારીથી હાઈકમાન્ડ પણ નારાજ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ અને નારાજગીને લીધે ઊભો થયેલો કકળાટ વધુ વકરી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બાદ રાજસ્થાનના મંત્રી ડો. રઘુ શર્માને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ પ્રભારી બન્યા બાદ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ જતાં હાઈકમાન્ડ ડો. રઘુ શર્માની કામગીરીથી નારાજ થયો હોવાનું ખુદ કોંગ્રેસનાં સૂત્રો જણાવી રહ્યાં છે.