ગુજરાત પોલીસ બેડામાં ચકચારી બનેલા કરાઇ પોલીસ એકેડેમીના ‘હની’ ટ્રેપ પ્રકરણમાં મૂળ કચ્છના પોલીસ અધિકારી હોવાની વાત બહાર આવી છે. અત્યારસુધી સત્તાવાર રીતે આ મામલે રાજ્ય સરકાર કે પોલીસ દ્વારા કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. જેને કારણે સૌ કોઈ પોત પોતાની રીતે અનુમાન કરી રહ્યા છે.
ખરેખર તો સરકારે સામેથી આ મામલે ખુલાસો કરવો જોઈએ. પરંતુ એવું થયું નથી. રાજ્યકક્ષાના ગૃહમંત્રીથી માંડીને ગુજરાતના ડીજીપી અને કરાઈ પોલીસ એકેડેમીનો સંપર્ક કરવા છતાં કોઈ આ મામલે બોલવાનું તો ઠીક પરંતુ વાત કરવા પણ તૈયાર નથી.
જે છ IPS ઓફિસરની ઇંદોરની યુવતી સાથે મિત્રતાની વાત ચાલી રહી છે તેમાં ત્રણ ઓફિસર DCP તરીકે અને ત્રણ SP તરીકે ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. જેમાં ત્રણ અધિકારી સીધી ભરતીના IPS ઓફિસર છે. જયારે બાકીના ત્રણ IPS કેડરમાં પ્રમોશનથી આવેલા છે. મૂળ પશ્ચિમ કચ્છનાં બે IPSનું નામ ‘‘હની’ ટ્રેપ વિવાદમાં આવવાને પગલે કચ્છના પોલીસ બેડામાં પણ હાલ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
એક અહેવાલ મુજબ ઇંદોરની એક યુવતી ગાંધીનગરની પાસે આવેલા કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડેમીમાં ઘોડેસવારી શીખવા આવેલી ઇંદોરની એક યુવતીએ મિત્રતા કેળવીને ગુજરાતના છ IPS અધિકારીઓને ફસાવી કરોડો રૂપિયા ખંખેરી લીધા બહાર આવ્યું હતું. જેને પગલે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કરાઈ ‘હની’ ટ્રેપના આ મામલામાં એકેડેમીના ડેપ્યુટી ડિરેક્ટર એવા મહિલા IPS ઓફિસર સુજાતા મજમુદાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.