ગુજરાતના બાળકો, યુવક-યુવતીઓ માટે વિનામૂલ્યે તાલીમ શિબિરોનું આયોજન
- બાળકો તેમજ યુવક-યુવતીઓ માટે વિનામૂલ્યે પર્વતારોહણની વિવિધ તાલીમ શિબિરોનું આયોજન
- વિવિધ ચાર તાલીમ કોર્ષમાં ૮ વર્ષના બાળકથી લઈને ૪૫ વર્ષ સુધીના લોકો લઇ શકશે ભાગ
ગાંધીનગર : રાજ્યના બાળકો તેમજ યુવક-યુવતીઓમાં સાહસિકવૃત્તિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પર્વતારોહણની વિવિધ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ચાર તાલીમ કોર્ષમાં ૮ વર્ષના બાળકથી લઈને ૪૫ વર્ષ સુધીના લોકો ભાગ લઇ શકશે તેમ ગાંધીનગરથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર દ્વારા ગુરુવારે (5 ઓક્ટોબરે) જાહેર કરવામાં આવેલ યાદીમાં જણાવાયું છે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળ માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, દ્વારા એડવેન્ચર કોર્ષ, એડવાન્સ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ, કોચિંગ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ અને આર્ટિફિશિયલ કોર્ષ એમ ચાર કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે.
તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવાર માટે જરૂરી માહિતી
આ શિબિરમાં જોડાવા માંગતા ગુજરાતના વતનીએ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સહિતની માહિતી દર્શાવતી ગુજરાતી કે અંગ્રેજી અરજીનો નિયત નમૂનો વેબ સાઈટ http://commi-synca.gujarat.gov.in પરથી મેળવી લેવાનો રહેશે. જેમાં ગુજરાતના વતની હોવાનો આધાર કે દાખલો, શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, અકસ્માત કે ઈજા વગેરે જોખમ અંગે વાલીનું સંમતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધો હોય તો તે અંગેના પ્રમાણપત્રની નકલ અવશ્ય જોડવાની રહેશે. તાલીમાર્થી જે કોર્ષમાં જોડાવા માગતા હોય તે કોર્ષનું નામ અરજીના મથાળે સ્પષ્ટ જણાવવું, અધુરી વિગતવાળી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સહિતની અરજીઓ માઉન્ટ આબુના ગૌમુખ રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના આચાર્યને મોકલી આપવાની રહેશે.
વધુમાં પસંદગી પામનાર ઉમેદવારોના ભોજન કે નિવાસ અને તાલીમની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા જે-તે સ્થળે વિનામુલ્યે કરવામાં આવશે. જયારે તાલીમાર્થીઓને વતનથી તાલીમના સ્થળે આવવા-જવાનું સામાન્ય એસ.ટી. બસ કે રેલ્વે સેકન્ડ ક્લાસ પ્રવાસ ભાડુ મળવા પાત્ર થશે. પસંદગી પામનાર તાલીમાર્થીને જરૂરી માહિતી અને સૂચનાઓ તાલીમની સંસ્થા દ્વારા ઈ-મેઇલના માધ્યમથી જણાવવામાં આવશે તેમ, યાદીમાં જણાવાયું છે.
આ પણ જુઓ :ગુજરાતમાં સાડા ચાર લાખ લાભાર્થીઓને 200 કરોડ કરતાં વધુ સહાયનું વિતરણ