રાજકોટ શહેર અને જિલ્લામાં ત્રિદિવસીય મેગા સ્પોર્ટસ ઇવેન્ટનું આયોજન
નેશનલ ગેમ્સની તૈયારીઓની સાથે રાજકોટમાં સ્પોર્ટસ્ ફીવર છવાઈ રહ્યો છે. રમતવીરોને પ્રોત્સાહન સાથે લોકોને રમત-ગમત પ્રત્યે જાગૃત કરવા રાજકોટ શહેર-જિલ્લામાં ૧૨મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ સુધી રમતોત્સવ યોજાશે. જેની થીમ છે ‘સેલિબ્રેટિંગ યૂનિટી થ્રૂ સ્પોર્ટસ્’ (એકતાની ઉજવણી રમતોને સંગ). હજારો ખેલાડીઓ આ કાર્યક્રમોમાં પોતાનું કૌવત ઝળકાવશે. દરમિયાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રસ્સાખેંચ તેમજ કબડ્ડીની રસાકસી જામશે
જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મુદ્રાની આગેવાનીમાં આ વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. જેમાં ૧૨મી સપ્ટેમ્બરે સવારે ૧૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં રમતોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં ખેલાડીઓ વચ્ચે રસ્સાખેંચ તેમજ કબડ્ડીની રસાકસી જામશે, તેમ ઈન સ્કૂલ ટેકનિકલ મેનેજર હરેશ સોલંકીએ જણાવ્યું હતું.
રાજકોટમાં ત્રણ સ્થળે વિવિધ સ્પોર્ટસ્ ઇવેન્ટસ
૧૩મી સપ્ટેમ્બરે રાજકોટમાં ત્રણ સ્થળે વિવિધ સ્પોર્ટસ્ ઇવેન્ટસ યોજાશે. જેમાં સદગુરુ મહિલા કોલેજ ખાતે સવારે ૮.૩૦ કલાકે આશરે ૪૦૦ રમતવીરોની હાજરીમાં વિવિધ સ્પર્ધાઓ થશે. મારવાડી યુનિવર્સિટીમાં સવારે ૧૧ કલાકે આશરે ૮૫૦ ખેલાડીઓ વિવિધ રમતોની સ્પર્ધાઓમાં ઝુકાવશે. જ્યારે આર.કે. યુનિવર્સિટીમાં બપોરે ૨ કલાકે આશરે ૪૫૦ જેટલા રમતવીરો ખેલ-કૂદની વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કૌવત ઝળકાવશે.
ભૂતવડ અને પડધરીમાં કબ્બડી, વોલીબોલ અને રસ્સાખેંચની સ્પર્ધાઓનું આયોજન
જ્યારે ૧૪મી સપ્ટેમ્બરે ધોરાજી તાલુકાના ભૂતવડમાં આવેલી સરસ્વતી કોલેજ ખાતે બપોરે ૧૧ કલાકથી કબ્બડી, વોલીબોલ અને રસ્સાખેંચની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં કુલ ૩૨૦ ખેલાડીઓ ભાગ લેશે. આ તકે કોલેજના ટ્રસ્ટી રણછોડ વઘાસીયા, આચાર્ય લોપા વઘાસીયા તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે, તેમ કો-ઓર્ડીનેટર નિલેશભાઈ ગોહિલે જણાવ્યું છે તેમજ પડધરી તાલુકામાં સવારે ૧૧ વાગ્યાથી વિવિધ રમતોની સ્પર્ધાઓ શરૂ થશે. જેમાં વોલીબોલ, રસ્સા ખેંચ, દોડ જેવી વિવિધ રમતો યોજાશે. તેમજ નાના બાળકો માટે ત્રિપગી દોડ તેમજ અન્ય રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ-ખેલાડીઓ ભાગ લેશે.