7મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ૭ મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તા.૬ ડિસેમ્બરે યોજાશે રાઉન્ડ ટેબલ બેઠક.
- દેશભરમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, વેન્ચર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ જોડાશે.
ગાંધીનગર, 04 ડિસેમ્બર: ગાંધીનગરમાં જાન્યુઆરી-૨૦૨૪માં ગુજરાતની ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનુ આયોજન થવા જઈ રહ્યું છે. તેના પૂર્વે પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટના ભાગરૂપે ગાંધીનગર ખાતે તા. ૭મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં “સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે.
6 ડિસેમ્બરે ગાંધીનગરમાં રાઉન્ડ ટેબલ બેઠક
આ પહેલાં ગાંધીનગર ખાતે આગામી તા. ૬ ડિસેમ્બરના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની વિશેષ ઉપસ્થિતમાં એક વિશેષ રાઉન્ડ ટેબલ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, વેન્ચર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.
આ રાઉન્ડ ટેબલ બેઠક અને સ્ટાર્ટઅપ કોન્કલેવમાં સ્ટાર્ટઅપ્સને વધુ સરળ અને અનૂકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી નિયમનકારી સુધારા, કરવેરા પ્રોત્સાહનો અને અનુપાલન સંદર્ભે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્હાન્સમેન્ટ પર વધુ ભાર મૂકવામાં આવશે. ભારત અને ગુજરાતમાં વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણની સ્થિતિની સમીક્ષા તેમજ ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. તે ઉપરાંત આ કોન્કલેવમા ઇનોવેશન અને રિસર્ચ, માર્કેટ એક્સેસ, ભંડોળ અને નાણાંકીય સમાવેશ તેમજ સ્ટાર્ટઅપના ચેલેન્જિસ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વધુ મજબુત બનાવવામાં મદદ કરશે
“સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૩” એ સ્ટાર્ટઅપ, ઇન્વેસ્ટર્સ અને એન્જલ નેટવર્ક્સને વિચારો અને તકોના આદાન પ્રદાન માટે એકસાથે લાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ પૂરવાર થશે. આ ઇવેન્ટમાં વિવિધ સેશન્સ, માસ્ટર ક્લાસીસ અને નેટવર્કિંગની તકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે વિવિધ રાજ્યોમાં સહયોગ, રચનાત્મકતા અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં સહાયરૂપ બનશે.
ભારત સરકારે ૧૬મી જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ખાનગી ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશ સાથે “સ્ટાર્ટઅપ ઇન્ડિયા”ની શરૂઆત કરી હતી. આ પહેલ શરૂ થઈ ત્યારથી Department for Promotion of Industry and Internal Trade (DPIIT) એ આશરે ૯૯,૦૦૦ સ્ટાર્ટઅપને માન્યતા આપી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની આ સિદ્ધિઓએ ઉદ્યોગ સાહસિકતાને ખૂબ જ વેગ આપ્યો છે. અને તેના પરિણામે આજે ભારત વિશ્વની ત્રીજા નંબરની સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ ધરાવતા દેશ તરીકે ઉભરી આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 રજૂ કરી, 1 લાખથી વધુ યુવાનોને નોકરીની તક