અમદાવાદમાં બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં ઠેર ઠેર મહાઆરતીનું આયોજન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપી
- સમગ્ર વાતાવરણ શ્રી રામની ગુંજ સાથે ગુંજી ઉઠયું
- સોસાયટીઓ, ફ્લેટો, બિલ્ડીંગો અને રસ્તાઓનો શણગાર કરવામાં આવ્યો
અમદાવાદમાં બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં ઠેર ઠેર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વસ્ત્રાલમાં હજારોની સંખ્યામાં ભક્તો કળશયાત્રામાં જોડાયા છે. અયોધ્યામાં આજે રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને પગલે શહેરમાં વિવિધ જગ્યાઓ પર શોભાયાત્રા, રામધૂન અને સુંદરકાંડ, ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે સમગ્ર વાતાવરણ શ્રી રામની ગુંજ સાથે ગુંજી ઉઠયું હતું અને ભગવા રંગમાં લપટાયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, જાણો કયા રહ્યું સૌથી ઓછુ તાપમાન
સોસાયટીઓ, ફ્લેટો, બિલ્ડીંગો અને રસ્તાઓનો શણગાર કરવામાં આવ્યો
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે શહેરની સોસાયટીઓ, ફ્લેટો, બિલ્ડીંગો અને રસ્તાઓનો શણગાર કરવામાં આવ્યો છે અને રંગબેરંગી લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠયુ છે. આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે વિવિધ જગ્યાઓ પર લાઇવ કવરેજ નિહાળવા માટે પ્રોજેક્ટરો, LED સ્ક્રિન પણ લગાવામાં આવી છે. આ વચ્ચે શહેરના રસ્તાઓ પર ધજા, ખેશ, ટોપી અને વિવિધ વસ્તુઓનુ ધૂમ વેચાણ પણ થઈ રહ્યુ છે. આ સાથે વિવિધ મંદિરોમાં યજ્ઞ, સુંદરકાંડ અને ભવ્ય યાત્રાનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સરકાર દ્વારા પણ બપોર 2.30 વાગે સુધીની રજા પણ જાહેર કરી દેવાઇ છે. આજે બપોરે એક જ સમયે અનેક મંદિરોમાં એક સાથે મહાઆરતીનો પણ યોગ પણ બનવા જઈ રહ્યો છે. શહેરના બાળકોથી લઇને વૃધ્ધાઓ અને રામભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપી
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ડાયરામાં લોક કલાકારો દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં એએમસીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.