બનાસકાંઠા : જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનું આયોજન
- ડીસા ખાતે નાયબ પોલીસ અધીક્ષક દ્વારા કાયદાનું પાલન કરવાની અપીલ સાથે તિરંગાનું વિતરણ
બનાસકાંઠા 10 ઓગસ્ટ 2024 : ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં વહિવટીતંત્ર સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યું છે. જેના ભાગરૂપે જિલ્લાભરમાં પોલીસ દ્વારા વાહનચાલકો અને નાગરિકોને વિના મૂલ્યે તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ જવાનો દ્વારા લોકોને કાયદા અને વ્યવસ્થાના પાલન સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ સાથે દેશભક્તિનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે. જિલ્લાના ડીસા ખાતે નાયબ પોલીસ અધીક્ષક સી.જે. સોલંકી દ્વારા ડીસા નગરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો સહિત લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા પોલીસ સ્ટેશનના જવાનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.
તિરંગા યાત્રાના ભાગ સ્વરૂપે ગુજરાત સરકાર તરફથી પોલીસ વિભાગને ફ્લેગ ફાળવવામાં આવ્યા છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં નાગરિકોને ફ્રી માં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, દિયોદર અને અંબાજીમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેનું નાગરિકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે. જેથી પાકિસ્તાન બોર્ડર નજીકના 22 ગામડાઓમાં પણ લોકોને તિરંગો વિતરણ કરી હર ઘર ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. પોલીસ દ્વારા આગામી ૧૫ મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : પર્યાવરણ પ્રેમી નારણ રાવળ ને મુખ્યમંત્રીના હસ્તે વન પંડિત પુરસ્કાર એનાયત