અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીએ હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગી

અમદાવાદ, 26 એપ્રિલ 2024, મોરબીમાં 30 ઓકટોબર, 2022ના રોજ ઝૂલતો બ્રિજ તૂટતા 135 લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં પોલીસે 10 આરોપીઓ સામે FIR નોંધી હતી. આ 10 આરોપીઓ પૈકી મોરબી ઝૂલતાં બ્રિજનું મેનેજમેન્ટ કરનાર ઓરેવા કંપનીના 2 મેનેજર, 2 કલાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને બ્રિજનાં કલરકામ સાથે સંકળાયેલા 1 વ્યક્તિ એમ મળીને કુલ 8 લોકોને હાઈકોર્ટ જામીન આપી ચૂકી છે. જયસુખ પટેલે ફરી સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન ઓરેવાએ બિનશરતી માફી માગી છે. છેલ્લે કોર્ટના હુકમના અનાદર બદલ હાઇકોર્ટે ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો સામે કન્ટેમ્પ્ટ દાખલ કરવા નોટિસ આપી હતી.

કંપની માત્ર મહિને 05 હજાર આપવા તૈયાર હતી
ઓરેવા કંપની તરફથી હાઇકોર્ટમાં કોર્ટની કન્ટેમ્પ્ટ દાખલ કરવાની શો કોઝ નોટિસ અને કલેકટર દ્વારા પીડિતોને આપવાના વળતર અંગે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેકટરે પીડિતોને જે વળતર આપવા કહ્યું હતુ તે આપવા કંપની તૈયાર છે. જેમાં અનાથ બાળકો, વિધવા મહિલાઓ વગેરેને 12 હજાર રૂપિયા પ્રતિમાસ આપવા કલેકટરે સૂચવ્યું હતું, જ્યારે કંપની માત્ર મહિને 05 હજાર આપવા તૈયાર હતી. કંપનીએ કહ્યું કે તેણે કોર્ટના સૂચન મુજબ પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે.કલેકટરે સૂચવ્યા મુજબનું વળતર તેઓ 30 એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજિસ્ટર્ડ થયે તેના બેંક ખાતામાં અથવા લીગલ એડમાં જમાં કરાવવા તૈયાર છે.

પીડિતોને વધારે આપવાની તમારી જવાબદારી છેઃ કોર્ટ
કોર્ટે સવાલ કર્યો હતો કે, કાયમી વળતર અંગે શું વિચાયું છે? કંપનીની CSR જવાબદારીઓનું શું? કંપની આ દુર્ઘટનામાં દોષિત છે, જે દોષ ક્ષમા યોગ્ય નથી ત્યારે કંપનીએ પીડિતો માટે કંઇક વધારે કરવું પડે, કંપનીએ જ્યારે બ્રિજનો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે તેણે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી તે તમારી જવાબદારી બને છે. કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે. તમને બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે તેમ નથી. તમે જાહેર મિલકત સાથે રમત રમી છે, પીડિતોને વધારે આપવાની તમારી જવાબદારી છે.કંપનીના હોદ્દેદારોએ ચેમ્બરમાં બેસીને વિચાર્યું છે કે પીડિતોનું શું થતું હશે? તે લોકો સમાજમાં કેવી રીતે સર્વાઈવ કરશે? જે પીડિતો પાસે પૈસા નથી તેનું શું? વ્યક્તિ જ્યારે પોતે આ ઘટનામાં દિવ્યાંગ બની હોય તે પરીવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકશે? આવા લોકો ઉપર આશ્રિત થયેલા લોકોના જીવન વિશે વિચાર્યું છે?

પીડિતોને વળતર ચૂકવણી અંગે સહકાર આપવાની વાત કરી હતી
કોર્ટે કહ્યું હતું કે કંપનીએ આ PILમાં પીડિતોને વળતર ચૂકવણી અંગે સહકાર આપવાની વાત કરી હતી. શું તમે મુંબઈમાં ખાનગી કંપનીમાં કામ કરતી અને આ દુર્ઘટનામાં 40 ટકા દિવ્યાંગ બનેલી 23-24 વર્ષની યુવતી વિશે વિચાર્યું છે? તેનું આ સમાજમાં શું થશે? તેને હવે જીવનમાં સપોર્ટ મળશે કે કેમ? કોર્ટ આ યુવતીને જીવનમાં કોઈની જરૂર ના રહે તેવી વ્યવસ્થા કરવા વિચારે છે.દિવ્યાંગોને દયા દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેમને બહાર નીકળવાની જગ્યાએ ઘરે જ રહેવું જોઈએ તેવું લોકો વિચારે છે. કોર્ટ આ યુવતીને જીવનમાં કોઈની જરૂર ના રહે તેવી વ્યવસ્થા કરવા વિચારે છે.

આ પણ વાંચોઃ28 એપ્રિલે NRI અને NRG PM મોદીના સમર્થનમાં રિવરફ્રન્ટથી સુરત સુધી કાર રેલી યોજશે

Back to top button