આઈફોન ઑનલાઈન મગાવ્યો, ડિલિવરી બૉયે પેમેન્ટ માગ્યું પણ એને મળ્યું…
લખનઉ, 2 ઓકટોબર, iPhone એક મોંઘો ફોન છે જે દરેક ગ્રાહકોને પોસાય તેમ નથી. લોકો તેને ખરીદવા માટે અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, કેટલાક લોન લે છે, કેટલાક EMI કરાવે છે અને કેટલાક જૂના iPhone વડે મેનેજ પણ કરે છે. પરંતુ જો આઈફોન પ્રત્યેનો જુસ્સો લોભમાં ફેરવાઈ જાય તો તે કોઈનો જીવ પણ લઈ શકે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ આઇફોન ડિલિવરી કરવા આવેલા ડિલિવરી બોયની માત્ર એટલા માટે હત્યા કરી નાખી કે તેને 1.5 લાખ રૂપિયાનો ફોન મફતમાં મળી શકે.
તાજેતરમાં જ લોન્ચ થયેલા Apple iPhone 16 માટે લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, વેચાણ શરુ થવાના દિવસે મુંબઈ અને દિલ્હીના એપલ સ્ટોરની બહાર લાંબી લાઈન જોવા મળી હતી, લોકો ધક્કામુકી કરીને પણ સૌ પહેલા iPhone મેળવવા ઈચ્છતા હતાં. ત્યારે આઇફોનને લઈને ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ચોંકાવનારી ઘટના બની છે. આઇફોન મફતમાં મેળવવા માટે બે શખ્સોએ ડિલિવરી બોયની હત્યા કરી નાખી. આ પછી તેઓએ મૃતદેહને ઈન્દિરા કેનાલમાં ફેંકી દીધો હતો.
iPhoneની ડિલિવરી કરવા આવેલા ડિલિવરી બોયની હત્યા
એક ગ્રાહકે ઓનલાઈન શોપિંગ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાંથી 1.5 લાખ રૂપિયાના આઈફોન કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર આપ્યો અને એક ડિલિવરી બોયની હત્યા 23 સપ્ટેમ્બરે કરી દીધી હતી. ગયા અઠવાડિયે થયેલી આ હત્યાનો ખુલાસો સોમવારે યુપી પોલીસે કર્યો જેણે બધાને ચોંકાવી દીધા. 23 સપ્ટેમ્બરના રોજ ગ્રાહકે ડિલિવરી બોય ભરત સાહુનો ફોન લીધો અને પૈસા આપવાના બહાને તેને પોતાના ઘરે બોલાવ્યો, જ્યાં ભરત સાહુનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી. આ પછી તેના મૃતદેહને બોરીમાં ભરીને ઈન્દિરા કેનાલમાં ફેંકી દીધો. જો કે હજુ સુધી ડિલિવરી બોયનો મૃતદેહ મળ્યો નથી, SDRFની ટીમ તેને શોધી રહી છે.
આ રીતે આરોપી પકડાયા
પોલીસે જણાવ્યું કે ડિલિવરી બોય ભરત સાહુ બે દિવસ સુધી ઘરે ન પહોંચ્યો. આ પછી તેના પરિવારજનોએ ચિનહાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે ભરત સાહુની કોલ ડિટેઈલની તપાસ કરી અને તેનું છેલ્લું લોકેશન શોધી કાઢ્યું. કોલ ડિટેઈલ પરથી ગજાનનનો નંબર મળ્યો અને ત્યાર બાદ પોલીસ તેના મિત્ર આકાશ સુધી પહોંચી. પોલીસ પૂછપરછ દરમિયાન આકાશે ગુનો કબૂલી લીધો છે. હજુ સુધી ડિલિવરી બોયનો મૃતદેહ મળ્યો નથી. SDRFની ટીમ ઈન્દિરા કેનાલમાં મૃતદેહ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો..એમેઝોનના નામે કસ્ટમર્સ સાથે ફ્રોડ, ઓર્ડર કર્યા વિના ઘરે પહોંચ્યા પાર્સલ