બનાસકાંઠા જિલ્લાના છ બુટલેગરોને પાસામાં ધકેલવા હુકમ
પાલનપુર, બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજ્યને અડીને આવેલો જિલ્લો છે અને પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા આ જિલ્લામાં રાજસ્થાનથી બુટલેગરો મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘુસાડે છે. અનેકવાર બોર્ડર ઉપરથી દારૂનો જથ્થો ઝડપાયાના દાખલા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ બનેલા બુટલેગરો પર લગામ કસવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા ના આદેશ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે.
દારૂનો ધંધો કરનારા આવા છ જેટલા બુટલેગરોને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ ના કાયદાની કલમ-૩ (૧) (પાસા) હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો કરવામાં આવ્યાં છે. જેના પગલે દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.