ગુજરાતટોપ ન્યૂઝ

બોટાદમાં 22મી જાન્યુઆરીએ કતલખાના અને નોનવેજ દુકાનો બંધ રાખવા આદેશ

Text To Speech

(ઉમેશ ગોરાહવા), બોટાદ, 19 જાન્યુઆરી : આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામની મૂર્તિનજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે બોટાદ નગરપાલિકાના વહીવટદાર દ્વારા તારીખ 22મીના રોજ તમામ કતલખાના અને નોનવેજની દુકાનો બંધ રાખવા માટે ઠરાવ કરાયો છે. આ ઉપરાંત સમગ્ર બોટાદ નગરમાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના હોર્ડિંગ્સ અને બોર્ડ લાગશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આદેશનો કડક અમલ કરવા સૂચના

મળતી માહિતી મુજબ, આગામી તારીખ 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે બોટાદ પણ તેમાં કદમ મિલાવી રહ્યું છે. આ મહોત્સવ નિમિત્તે બોટાદના વહીવટદાર ચરણસિંહ ગોહિલ અને ચીફ ઓફિસર ગોસ્વામી દ્વારા આ બાબતે અંગત રસ દાખવી અભૂતપૂર્વ નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તમામ કતલખાનાઓ અને નોનવેજની દુકાનો બંધ રાખવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નગરપાલિકાના સ્ટાફને તથા ચીફ ઓફિસરને પણ આ બાબતનું કડક અમલીકરણ થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.

નિયમ ભંગ બદલ આકરી કાર્યવાહી કરાશે

આગામી તારીખ 22 મી જાન્યુઆરીના રોજ બોટાદમાં જો કોઈપણ પ્રકારના કતલખાના માસ મટન કે નોનવેજની દુકાનો પરનો વ્યાપાર જોવા મળશે તો તેમને કાયમી ધોરણે સીલ કરી અને તેમના પર ડિમોલિશન જેવી કાર્યવાહી હાથ ધરી અને કાયમી ધોરણે સ્થળ પરથી દૂર કરવામાં આવશે તેવું નગરપાલિકાના દ્વારા જણાવાયુ છે. આ ઉપરાંત સમગ્ર મહોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે સમગ્ર નગરમાં શ્રી રામ જન્મભૂમિ મહોત્સવના હોર્ડિંગ અને બોર્ડ પણ લગાવવામાં આવશે તેવું વહીવટદાર એ જણાવ્યું છે.

Back to top button