અમદાવાદગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ટેસ્ટીંગ વધારવા આદેશ, ચારેય મોટા શહેરોમાં આરોગ્ય તંત્ર એલર્ટ

અમદાવાદ, 20 ડિસેમ્બર 2023, ગુજરાતમાં કોરોનાનાં નવા વેરિએન્ટના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. રાજ્યના ચારેય મોટા શહેરોમાં રેપીડ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આઈસોલેશન વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ડોક્ટરોને પણ એલર્ટ કરી સ્ટેન્ડબાય રહેવા આદેશ અપાયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ સંપૂર્ણ કોરોનાની સારવાર માટે આરક્ષિત રાખવામાં આવી છે.આ ઉપરાંત 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક સક્રિય છે. કુલ 5,300 લિટરના સાત ઓક્સિજન કન્સન્ટ્રેટર પણ સજ્જ છે.

રાજકોટમાં 140 બેડનાં બે વોર્ડ તૈયાર કરી દેવાયા
સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડન્ટ રજનીશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, કોરોના સામે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત સાવચેતીના પગલા લઈને કોરોનાની મહામારીથી બચી શકાય છે. જે પણ લોકોએ વેક્સિન લીધી છે તેમને વધારે ડરવાની જરૂર નથી વેક્સિન અસરકારક છે. જેમણે પણ વેક્સિન લીધી હશે તેઓને આ કોરોના ઓછો અસર કરશે. તે ઉપરાંત રાજકોટ શહેરમાં હજુ સુધી કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ મનપાનો આરોગ્ય વિભાગ અત્યારથી જ સજ્જ બન્યો છે અને મનપા સંચાલિત તમામ આરોગ્ય કેન્દ્રોમાં શરદી, ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ બાળકો માટે 100 અને એડલ્ટ માટે 40 સહિત કુલ 140 બેડનાં બે વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે.

સુરતમાં શરદી-ખાંસીના કેસોનું ટ્રેકીંગ રાખવામાં આવશે
સુરત પાલિકા દ્વારા હોસ્પિટલોમાં કોવિડના કેસને લઈ તમામ તૈયારીઓ કરી દેવા સુચના આપવામાં આવી છે. સુરતમાં 9 રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે શરદી-ખાંસીના કેસોમાં પણ વધારો થશે. જેથી લોકોને વધુ તકલીફ હોય તો ટેસ્ટ કરવા માટે અપીલ કરાઈ છે. સાથે સાથે સુરત મનપા દ્વારા શરદી-ખાંસીના કેસોનું ટ્રેકીંગ પણ રાખવામાં આવશે. શરદી, ખાંસીના ગંભીર દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટેની સૂચના આપી છે. જો દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો કોરોનાના વેરિઅન્ટ વિશે જાણવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

વડોદરામાં કોરોનાને લઈ આરોગ્ય તંત્ર સજ્જ
વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલમાં કોઈ પોઝીટીવ દર્દી નથી પરંતુ નિયમિત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગોત્રી હોસ્પિટલમાં પણ આ બાબતે તૈયારીઓ કરાઈ છે.આ અંગે સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ ડો. ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે, અમારે પેશન્ટ મેનેજમેન્ટ પ્રમાણે હોસ્પિટલમાં તૈયારી કરવાની હોય છે. આજની તારીખમાં અમારી પાસે 26 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર છે. 40 હજાર લીટર ઓક્સિજનની તૈયારી છે, બે પ્લાન્ટ કાર્યરત છે. હાલ સુધીમાં એક પણ પોઝીટીવ કેસ આવ્યો નથી. રોજે રોજ મોનીટરીંગ અને મિટિંગ કરવામાં આવે છે.

શું કહ્યું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે?
આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું કે, કોરોનાના નવા વેરિયન્ટથી વાયબ્રન્ટ સમિટને કોઈ અસર થશે નહીં. કોરોનાના નવા વેરિયન્ટથી આપણે સાવચેત રહેવાની જરૂર છે. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ સામે આવ્યા છે.ભારતમાં હાલ 2300 જેટલા કોરોનાના કેસ છે. ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. જોકે, આ મામલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ફક્ત સાવચેત રહેવું અનિવાર્ય છે કારણ કે 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યા છે. હાલના વેરિયન્ટથી મૃત્યુનું પ્રમાણ ખૂબ ઓછું છે.

આ પણ વાંચોઃગુજરાત: છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી છ વ્યક્તિના મૃત્યુથી ચકચાર

Back to top button