- સમગ્ર મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની કડક કાર્યવાહીની સૂચના
- તમામ પોલીસ કમિશનર તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને આદેશ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં નિર્ણય
રાજકોટ : રાજકોટ ખાતે TRP ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકીંગ કરવા સહિત અસરકારક કડક પગલાં સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહિ, જે ગેમ ઝોનનું ફાયર NOC ન હોય તથા લાયસન્સ મેળવેલ ન હોય તેમજ નિયમોનુસારની કાર્યવાહી કરેલ ન હોય તેના માલિકો વિરૂધ્ધમાં એફ.આઇ.આર. દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે.