અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ પોલીસ કમિશ્નરનો આદેશ, ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ પકડો અને 200 રૂપિયા ઈનામ મેળવો

અમદાવાદ, 22 ડિસેમ્બર 2023, શહેરમાં હિટ એન્ડ રન અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થયેલા અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં છે. તાજેતરમાં ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા જેગુઆર કારથી 9 નિર્દોષ લોકોને કચડી નાંખવામાં આવ્યા હતાં. ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા ઓવરસ્પીડના કેસ કર્યા હતાં. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશ્નરે પોલીસ કર્મીઓને પ્રોત્સાહન આપવા માટે એક આદેશ કર્યો છે. જેમાં તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પકડી લાવો અને 200 રૂપિયા ઈનામ મેળવો.

ઈનામ મેળવનાર વ્યક્તિની સર્વિસ રેકોર્ડમાં નોંધ લેવાશે
અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે, શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતાં પકડાશે તો તેમની સામે ફરિયાદ દાખલ થશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે તેમને 200 રૂપિયા ઈનામ આપવામાં આવશે. આ ઈનામ જે વિસ્તારમાં કેસ થયો હશે તે વિસ્તારના ડીસીપી દ્વારા આપવામાં આવશે. એટલું જ નહીં આ જે ઈનામ મેળવનાર વ્યક્તિ છે તેમના સર્વિસ રેકોર્ડમાં પણ તેની નોંધ લેવાશે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બર પહેલા કડકમાં કડક દારૂબંધી થાય તે માટે આખું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આજે લેખિતમાં પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસે દારૂના કેસ પકડવા માટે કમરકસી
આગામી સમયમાં 31મી ડિસેમ્બરને લઈ પોલીસ સક્રિય થઈ ગઈ છે. અન્ય રાજ્યોમાંથી આવતા દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસે તમામ બોર્ડર પર પહેરો ગોઠવી દીધો છે. ત્યારે અમદાવાદમાં પણ પોલીસે દારૂના કેસ પકડવા માટે કમરકસી છે. બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તા મુદ્દે સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે ટ્રાફિક સમસ્યાને લઇને કરાયેલી કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ટ્રાફિક સમસ્યાને લઇને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. નિયમો તોડતા લોકો સામે કેસ કરાય છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે રોડ અકસ્માત ગંભીર સમસ્યા છે. કોર્ટે કહ્યું આગામી 15 દિવસ અમદાવાદમાં 5 સ્થળોએ ટ્રાફિકની દરેક પોલિસી ઉપર કડક અમલ કરાય. નવા વર્ષની ઉજવણીમાં સમસ્યા વધુ હોય છે. તમામ સ્થળોએ આવતીકાલથી જ કામ કરવા કોર્ટે સૂચન કર્યું છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં અધિકારીઓની જાસૂસીથી ખળભળાટ, પોલીસે બે ખનીજચોરોની અટકાયત કરી

Back to top button