- રાજયની મેડિકલ કોલેજોનાં ઈતિહાસની પ્રથમ ઘટના
- MBBSના વિદ્યાર્થીઓની હાજરીમાં અનિયમિતતા
- વિદ્યાર્થીઓએ બોન્ડ જમા નહી કરાવવતા ડીનનો આકરો નિર્ણય
ભાવનગર સરકારી મેડિકલ કોલેજના ડીન દ્વારા એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓ પૈકી હાજરીમાં અનિયમિતતા અને બોન્ડ ન જમા કરાવવાને કારણે 93 વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી ડીટેઈન કરવાનો હુકમ કરાયો છે. એક સાથે 93 વિદ્યાર્થીઓને આખી પરીક્ષા આપતાં અટકાવાની ગુજરાત રાજ્યની મેડિકલ કોલેજોના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની રહી છે.
20% સુધી ગેરહાજરી માન્ય રહે છે
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ લેક્ચરમાં નિયમિત હાજર નહીં રહેતા તેઓની હાજરી ઓછી રહી છે. NMCની ગાઈડ લાઈન મુજબ તો 20% સુધી ગેરહાજરી પણ માન્ય રહે છે. પરંતુ તેની કરતાં પણ વધુ ગેરહાજર રહેતા એમબીબીએસના વિદ્યાર્થીઓ પર મેડિકલ કોલેજના ડીન દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓએ 20 લાખના બોન્ડ જમા ન કરાવ્યા
વિદ્યાર્થીઓની ઓછી હાજરી અને બોન્ડ નહીં જમા કરાવવાને કારણે ફિઝિયોલોજી, બાયોકેમેસ્ટ્રી અને એનાટોમી વિષયમાં ઓછી હાજરી મુજબ 91 વિદ્યાર્થીઓને નવેમ્બરથી શરૂ થતી યુનિવર્સિટીની આખી પરીક્ષામાં ડીટેઈન કરવાનો હુકમ કર્યો છે. તેમજ 2 વિદ્યાર્થીઓના એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યાના આજ દિન સુધી 20 લાખના બોન્ડ કોલેજમાં જમા નહીં કરાવવાને કારણે પરીક્ષામાંથી ડિટેન કર્યા છે.
વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી નારાજગી
ભાવનગર સરકારી મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી 93 જેટલા વિદ્યાર્થીઓને આખી પરીક્ષામાંથી ડીટેન કરતાં આટલી મોટી સંખ્યામાં પરીક્ષામાંથી રદ કરવાનો મેડિકલ કોલેજના ઇતિહાસમાં પણ પ્રથમ બનાવ હોવાનું તબીબી વર્તુળો દ્વારા જણાવાયું છે. આમ 93 વિદ્યાર્થીઓની એમબીબીએસની કારકિર્દી છ મહિના પાછી ઠેલવાઈ જશે. જોકે, વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ કોલેજમાં પૂરતી સુવિધા નહીં હોવાને કારણે તેની અસર લેક્ચર પર પડતી હોવાની પણ નારાજગી વ્યક્ત કરી હતી.