રાજ્યમાં થોડા દિવસોથી ફરીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્ય માટે હજી 3 દિવસ ભારે હોવાનું અનુમાન કર્યું છે. આજે આવેલા વરસાદના 24 કલાકના આંકડા પ્રમાણે રાજ્યમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ઝરમર વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં પણ અને વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો હેમુ ગઢવી હોલ વિસ્તારમાં પણ ઘુંટણસમા પાણી ભરાયા હતા. બીજી તરફ કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ પર પણ પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તો આ તરફ ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભાવનગર શહેર સહિત શિહોર પંથકમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. તો તરફ શહેરી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તેમજ વરસાદ પડતાં ભારે બફારામાંથી થોડી રાહત થઈ છે.