ઓપરેશન નટરાજઃ ભાજપ શાસિત આ રાજ્યમાં ઓર્કેસ્ટ્રામાં જબરદસ્તીથી કરાવાતો હતો અશ્લીલ ડાંસ


પટના, તા. 11 માર્ચ, 2025: બિહારમાં એક માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે 42 છોકરીઓ અને 45 બાળકોને હેમખેમ બચાવી લીધા હતા. ગત સપ્તાહે ઓપરેશન નટરાજ અંતર્ગત રોહતાસ જિલ્લામાં અનેક સ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં છોકરા-છોકરીઓ પકડાયા હતા. પોલીસે આ રેકેટમાં સામેલ પાંચ લોકોની ધરપકડ કરી હતી. ઓર્કેસ્ટ્રાના નામે છોકરીઓ પાસે જબરદસ્તીથી અશ્લીલ ડાંસ કરાવવામાં આવતો હતો.
એક બિન-સરકારી સંસ્થા (NGO) તરફથી માહિતી મળ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. એનજીઓએ અધિક પોલીસ મહાનિર્દેશક (સીઆઈડી) અનિલ કુમાર જૈનને જાણ કરી હતી કે રાજ્યની બહારથી આવતા સગીર બાળકોને લગ્ન અને જાહેર કાર્યક્રમોમાં ઓર્કેસ્ટ્રા પાર્ટીઓમાં નાચવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ બાબત અંગે પોલીસ અધિક્ષક રોશન કુમારે જણાવ્યું હતું કે આ બાળકોને ભયાનક સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા. તેમને અશ્લીલ ગીતો પર નાચવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને ટૂંકા કપડાં પહેરવાની ફરજ પાડવામાં આવી હતી. વધુમાં કહ્યું કે તે ખૂબ જ પીડાદાયક હતું. આ બાળકોની આંખોમાં આંસુ અને ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
બિહાર પોલીસની ઘણી ટીમોએ 19 વાહનોમાં એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા. આ ઓપરેશન લગભગ 6 કલાક ચાલ્યું હતું. જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.આ સમગ્ર નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે, કેટલા સમયથી ચાલતો હતો તેની પોલીસે તપાસ શરૂ કરી છે.
બચાવાયેલા બધા લોકો ખૂબ જ ગરીબ પરિવારોમાંથી આવે છે. તેમને નોકરી અને લગ્નના ખોટા વચનોમાં સાવી દેવામાં આવ્યા હતા. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તેમના રિહેબિલિટેશનની પ્રક્રિયા શરૂ કરી છે.
એસોસિએશન ફોર વોલન્ટરી એક્શન (AVA) ના સિનિયર ડિરેક્ટર મનીષ શર્માએ આ મામલાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ નેટવર્ક પાછળ કેટલાક મોટા માથાઓ પણ હોઈ શકે છે. આપણે આ ગેંગના મૂળ સુધી પહોંચવું પડશે અને તેને સંપૂર્ણપણે ખતમ કરવું પડશે.
આ પણ વાંચોઃ રાજ્યના મહિલા ધારાસભ્યોને મહિલા દિવસને લઈ મુખ્ય પ્રધાને શું આપી મોટી ભેટ?