ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સેમિકન્ડક્ટર કંપની ખોલીને થઈ રહ્યો છે પસ્તાવો: CEOની પોસ્ટથી પ્રશાસન જાગ્યું!

બિહાર, 14 ઓક્ટોબર: ‘હું બિહારનો રહેવાસી છું, બિહારમાં પ્લાન્ટ લગાવીશ અને આપણા લોકોને રોજગારી આપીશ.’ આ વિચાર સાથે ચંદન રાજે બિહારના મુઝફ્ફરપુરમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના કરી. હકીકતમાં, બિહાર ઉદ્યોગની દ્રષ્ટિએ ખૂબ પછાત છે. જેના ઘણા કારણો છે. જ્યારે ચંદન રાજે બિહારમાં પ્રથમ સેમિકન્ડક્ટર કંપની સુરેશ ચિપ્સ એન્ડ સેમિકન્ડક્ટર પ્રાઈવેટ લિમિટેડની સ્થાપનાની જાહેરાત કરી ત્યારે તેમની ઘણી પ્રશંસા થઈ, પરંતુ હવે તેઓ સિસ્ટમથી નારાજ થઈ ગયા છે અને દુ:ખી થઈને લખી રહ્યા છે કે, બિહારમાં કંપની શરૂ કરવી એ તેમના જીવનમાં સૌથી ખરાબ નિર્ણય હતો.

Chandan Raj
Chandan Raj/Tweet

પહેલા પ્રશ્ન ઉઠાવ્યો… પછી ટ્વીટ ડિલીટ કર્યું

ઉલ્લેખનીય છે કે, ચંદન રાજે બિહારની પ્રથમ સેમિકન્ડક્ટર કંપની સુરેશ ચિપ્સ અને સેમિકન્ડક્ટર પ્રાઈવેટ લિમિટેડની શરૂઆત કરી હતી, ચંદન રાજ આ સેમિકન્ડક્ટર કંપનીના સ્થાપક અને CEO છે, પરંતુ હવે તેમને પોતાના નિર્ણય પર પસ્તાવો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચંદન રાજની એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ લખે છે કે, “બિહારમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ ચલાવવો તેમના માટે સૌથી મુશ્કેલ કામ છે.” જો કે બાદમાં તેમણે આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું, પરંતુ હવે તેમણે આ ટ્વીટ કેમ ડિલીટ કર્યું તે અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ચંદન રાજે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જ્યાં તેમની સેમિકન્ડક્ટર કંપની આવેલી છે, ત્યાં કોઈ મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, રસ્તાઓ નથી, સ્ટ્રીટ લાઇટિંગ નથી. આ સિવાય બીજી ઘણી સમસ્યાઓ પણ છે. ચંદન રાજના જણાવ્યા મુજબ, તેમણે તાજેતરમાં ઘણા ગ્રાહકો ગુમાવ્યા કારણ કે, તે ગ્રાહકોએ આ સમસ્યાઓને કારણે તેની કંપની સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો.’

તસવીરોમાં જોઈ શકાય છે કે, જ્યાં ચંદન રાજની ઓફિસ છે તે રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે. તેમનું કહેવું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સમસ્યાઓને લઈને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. આવી સ્થિતિમાં અહીં સેમિકન્ડક્ટર કંપની ચલાવવી તેમના માટે પડકારરૂપ સાબિત થઈ રહી છે.

દરેક જગ્યાએ જઈને કરી અપીલ

યુઝરની ટિપ્પણીના જવાબમાં, ચંદન રાજે મૂળભૂત સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓને લખેલા ઇમેઇલનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘તેમના વિસ્તારમાં રસ્તા નથી. પંચાયત સાથે સંકળાયેલા અધિકારીઓ તેને ગંભીરતાથી લેતા નથી. મેં રસ્તા પર માટી ભરી દીધી હતી, પણ વરસાદમાં માટી પણ ધોવાઈ ગઈ. રિપોર્ટ અનુસાર, ચંદન પોતાની સમસ્યાને લઈને લગભગ દરેક સરકારી ઓફિસે પહોંચ્યા. નેતાઓને પણ વાત કરી, પરંતુ સમસ્યા યથાવત રહી.

જિલ્લા વહીવટી તંત્ર સફાળુ જાગ્યું

 

જો કે, ચંદન રાજની આ પોસ્ટ વાયરલ થયા બાદ મુઝફ્ફરપુર જિલ્લા પ્રશાસને પ્રતિક્રિયા આપી છે. જેમાં દશેરા બાદ તેમની ઓફિસ સુધીના રોડનું બાંધકામ શરૂ કરવામાં આવશે તેવું લખવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસને તેના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘મુખ્યમંત્રી વિસ્તાર વિકાસ યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2024-25માં આ રોડના નિર્માણ કાર્ય માટે પહેલાથી જ વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ રોડનું બાંધકામ દશેરા પછી તરત જ શરૂ કરવામાં આવશે. આ પોસ્ટ બાદ ચંદને જિલ્લા પ્રશાસનનો આભાર માન્યો.

કોણ છે ચંદન કુમાર? જાણો 

મૂળ બિહારના ચંદન રાજ ઓડિશાની બિજુ પટનાયક યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી (BPUT)માંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં સ્નાતક થયા છે. આ પછી, તેમણે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ, મલેશિયા અને ઇઝરાયેલમાં ઇન્ટેલ, રોમાનિયામાં સિલિકોન સર્વિસ (SRL) અને શાંઘાઈમાં નોકિયા બેલ લેબ્સ સહિત ઘણી કંપનીઓમાં પણ કામ કર્યું. તેઓ આ કંપનીઓમાં વરિષ્ઠ હોદ્દા પર હતા. પછી તેમણે નોકરી છોડી દીધી અને ડિસેમ્બર 2020માં બિહારના મુઝફ્ફરપુરમાં સુરેશ ચિપ્સ એન્ડ સેમિકન્ડક્ટર પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી.

આ પણ જૂઓ: Olaના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલની વધી મુશ્કેલી, કેબ સર્વિસ પર સરકારની ચાંપતી નજર

Back to top button