ગુજરાત

કન્સેપ્ટ સ્કૂલનાં નામે ઉઘાડી લૂંટ, શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરો: કોંગ્રેસ

  • કન્સેપ્ટ શાળાનો રાફડો છેલ્લા 10 વર્ષમાં ફાટયો છે
  • ગ્રાન્ટેડ શાળામાં ભણી આજે અનેક વિદ્યાર્થીઓ સાયન્ટીસ અને ડૉક્ટરો બન્યા
  • શહેરમાં સેવાના નામે શિક્ષણ આપનારા આંગળીના વેઢે ગણી શકાય તેટલા

શહેરમાં કન્સેપ્ટ સ્કૂલના નામે ચાલતી ઉઘાડી લૂંટ તથા એફ.આર.સી.એ નક્કી કરેલી ફીના ધારા-ધોરણને નેવે મુકી મોટાભાગની ખાનગી સ્કૂલો દ્વારા વસુલ કરવામાં આવતી બેફામ ફીને લઈ કોંગ્રેસે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદ વધારે પડ્યો, કારણ જાણી રહેશો દંગ 

વડોદરામાં જે ગ્રાન્ટેડ શાળાઓ વર્ષોથી ચાલતી હતી, તે બંધ થઈ

શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષીએ રજૂઆત કરી હતી કે, વડોદરામાં જે ગ્રાન્ટેડ શાળાઓ વર્ષોથી ચાલતી હતી, તે બંધ થઈ ગઈ, તેના વર્ગો પણ બંધ થઈ ગયા. આજે જે નોન ગ્રાન્ટેટ શાળાઓ ખુલી છે, તેમાં કન્સેપ્ટ નામે ડમી સ્કુલો (ભૂતિયા) ખુલી ગઈ છે. હું ભૂતિયા સ્કૂલ એટલા માટે કહું છું કે, એક દિવસ સ્કૂલમાં જવાનું અને બાકીના દિવસ ટયુશનમાં જવાનું. આ બધી મંજૂરી આપે છે કોણ? કન્સેપ્ટ શાળાનો રાફડો છેલ્લા 10 વર્ષમાં ફાટયો છે. એટલે, બીજેપીના શાસનમાં જ આ કન્સેપ્ટ શાળાઓ ખુલી અને ખાનગીકરણ થયું. આપને યાદ કરાવવા માંગુ છું
કે, ફી રેગ્યુલેશન કમિટી (એફ.આર.સી.) બની હતી. જેમાં રાજ્ય સરકારે ફીનું ધારા-ધોરણ નક્કી કર્યું છે, તેમ છતાં આજે શહેરની મોટાભાગની શાળા એફ.આર.સી.એ નક્કી કરેલી ફી નહીં લઈ ઉઘાડી લૂંટ ચલાવે છે, મનફાવે તેમ ફી લે છે.

આ પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિવસે મંત્રી કુંવરજી હળપતિએ મિસ્ટી પ્રોજેક્ટ હેઠળ વૃક્ષારોપણ કર્યું 

ગ્રાન્ટેડ શાળામાં ભણી આજે અનેક વિદ્યાર્થીઓ સાયન્ટીસ અને ડૉક્ટરો બન્યા

ગ્રાન્ટેડ શાળામાં ભણી આજે અનેક વિદ્યાર્થીઓ સાયન્ટીસ અને ડૉક્ટરો બન્યા છે. સંસ્કારીનગરી શિક્ષણનગરી તરીકે પણ ઓળખાય છે, પરંતુ આજે વડોદરા શહેરનું નામ ભૂતિયા સ્કૂલો (કન્સેપ્ટ સ્કુલો)ના કારણે બગડી રહ્યું છે. ગરીબ અને મધ્યમ વિદ્યાર્થી ક્યાં જશે? તાજેતરમાં ધો.12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું. જે છેલ્લા 10 વર્ષના ઈતિહાસમાં સૌથી ઓછું રિઝલ્ટ છે. કારણ કે, આ નવી શાળાઓમાં વિદ્યાર્થીઓ જવાના શરૂ થઈ ગયા. આ માટે વાલીઓ શું કરે? સરકાર જ મંજૂરી આપે છે. વાલીઓમાં પણ જાગૃતતા લાવવાની જરૂર છે, પરંતુ આ માટે સરકાર દ્વારા પણ કોઈ પ્રયત્નો થતા નથી. એટલે, આવી કન્સેપ્ટ અને ડમી શાળાઓના નામે માત્રને માત્ર નફો કમાવવા દુકાનો ખોલીને બેઠા છે. મહારાજાએ એમ.એસ. યુનિવર્સિટી સેવાના હેતુથી બનાવી હતી, પરંતુ આજે વડોદરા શહેરમાં સેવાના નામે શિક્ષણ આપનારા આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. સરકાર શાળાઓ શરૂ કરતી અને ખાનગી શાળાઓને મંજૂરી આપ્યા કરે છે, અને લોકો દુકાનો ખોલી બેસી ગયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને ઝડપી સારવાર માટે લેવાયો મોટો નિર્ણય 

તંત્ર પણ લૂંટફાટ ચલાવતી જે તે શાળાઓ અને કોલેજો સામે નતમસ્તક

શહેર પ્રમુખની સાથે પ્રદેશ ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી અને પૂર્વ તથા વર્તમાન કોર્પોરેટરો સહિત કાર્યકરો હાજર રહ્યાં હતા. કોંગ્રેસે ભાજપના 27 વર્ષના શાસનમાં શિક્ષણના નામે ચાલતી ઉઘાડી લૂંટ બંધ કરો, ડમી (ભૂતિયા) શાળાઓ પર પ્રતિબંધ મુકો, કન્સેપ્ટ સ્કુલના નામે ચાલતી ઉઘાડી લૂંટ બંધ કરો, તેવા બેનર્સ સાથે કલેક્ટર કચેરીની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે શિક્ષણમાં અધધ…રૂપિયા ભાળી ગયેલા કેટલાક રાજકિય મોટા માથાઓ પણ પાછલા બારણે તેમાં ઘુસી ગયા છે. ઘણાં જાહેરમાં આવે છે, તો કેટલાક પરદા પાછળની ભૂમિકા ભજવી પોતાના રોટલા શેકી રહ્યાં છે. આજે પોતાના પ્રોટક્શન માટે પણ કેટલાક લોકો રાજકારણમાં ઘુસી ગયા છે. રાજકારણનો ઉપયોગ તેઓ પોતાના વ્યક્તિગત ફાયદા માટે પણ કરતાં હોય છે. રાજકારણીઓના દબાણવશ તંત્ર પણ લૂંટફાટ ચલાવતી જે તે શાળાઓ અને કોલેજો સામે નતમસ્તક થઈ જાય છે.

Back to top button