કોમનવેલ્થ ગેમ્સના મેદાનમાં ખેલાડીઓની છૂટા હાથની મારા મારી
હાલમાં કોમનવેલ્થ ગેમ્સમાં ઈંગ્લેન્ડ અને કેનેડા વચ્ચે પુરૂષોની હોકી મેચ રમાઈ હતી. તે મેચ હોકીની હતી પરંતુ દર્શકોને અમુક ક્ષણો માટે તે કુસ્તી સ્પર્ધા હોવાની અનુભૂતિ થઈ હતી. હકીકતે ઈંગ્લેન્ડ અને કેનેડાના ખેલાડીઓ વચ્ચે વિવાદ થયો હતો અને તેઓ ખૂબ જ જોરદાર રીતે લડી પડ્યા હતા. ખેલાડીઓનું આ કારનામુ જોઈને દર્શકો દંગ રહી ગયા હતા અને ખેલાડીઓને છૂટા પાડવા માટે રેફરીએ વચ્ચે પડવું પડ્યું હતું.
હકીકતે સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડના પ્લેયર્સને ભારે અંતરથી જીતવાનું હતું. આ માટે ઈંગ્લેન્ડની ટીમના પ્લેયર્સ કેનેડા સામે ગોલ કરવા સતત આક્રમક રીતે રમી રહ્યા હતા. તે સમયે બલરાજ પનેસરની હોકી સ્ટિક ઈંગ્લેન્ડના ક્રિસ ગ્રિફિથના હાથ પર લાગીને ફસાઈ ગઈ હતી. આ કારણે ગ્રિફિથ ગુસ્સે થયો હતો અને તેણે પનેસરને ધક્કો માર્યો હતો. ત્યાર બાદ પનેસર પણ રોષે ભરાયો હતો અને તેણે ઈંગ્લેન્ડના ખેલાડીની ટી-શર્ટને ગળાના ભાગેથી પકડી લીધી હતી. આમ બંને ખેલાડીઓ એકબીજાની ટી-શર્ટ પકડીને ખેંચવા લાગ્યા હતા અને રમતનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું.
ગુરૂવારે ઈંગ્લેન્ડ અને કેનેડા વચ્ચેની પુરૂષોની હોકી મેચમાં બંને ટીમના પ્લેયર્સ વચ્ચે લડાઈ, કુસ્તી જેવો માહોલ સર્જાયો હતો. ખેલાડીઓ એટલી હદે ઉગ્ર બની ગયા, રેફરીએ વચ્ચે પડી તેમને શાંત કર્યા હતા. #CWG2022 #EnglandVsCanada #HockeyMatch #BalrajPanesar #ChrisGriffiths #humdekhengenews pic.twitter.com/9k1CxugMkQ
— Hum Dekhenge News (@humdekhengenews) August 5, 2022
રેફરી વચ્ચે પડ્યા
બલરાજ પનેસર અને ગ્રિફિથ વચ્ચે એટલી જોરદાર લડાઈ જામી ગઈ હતી કે સ્પર્ધા જોઈ રહેલા દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાદમાં રેફરી અને બંને ટીમના ખેલાડીઓએ વચ્ચે પડીને તેમને છૂટા પાડ્યા હતા.
આ પ્રકારની લડાઈ બાદ રેફરીએ કેનેડાના બલરાજ પનેસરને રેડ કાર્ડ બતાવીને મેચમાંથી બહાર કરી દીધો હતો. જ્યારે ઈંગ્લેન્ડના ક્રિસ ગ્રિફિથને યેલો કાર્ડ બતાવીને ચેતવણી આપવામાં આવી હતી.
ઈંગ્લેન્ડનો વિજય
આ કારણે કેનેડાએ એક ખેલાડી ઘટવાનું નુકસાન સહન કરવું પડ્યું હતું અને તેમણે મેચ હારીને તેની કિંમત ચુકવવી પડી હતી. સ્પર્ધામાં ઈંગ્લેન્ડે 11-2થી વિજય મેળવ્યો હતો. જોકે તેમ છતાં પણ તે સેમીફાઈનલમાં નહોતું પહોંચી શક્યું.