ડીસામાં હાઇવે તરફની ખુલ્લી ગટરો બની શકે છે જીવલેણ
પાલનપુર:ડીસામાં ગાયત્રી મંદિર થી જલારામ મંદિર તરફ જતા મુખ્ય હાઇવેની ખુલ્લી ગટરો વાહનચાલકો અને જનતા માટે જીવલેણ પુરવાર થાય તેવી સ્થિતિમાં છે. લાંબા સમયથી આ ગટરો નું સમારકામ કરવાની જવાબદારી કોની બને છે. તે હજુ સુધી નક્કી ના હોવાના કારણે આજ-દીન સુધી આ ગટરો ઢાંકવામાં આવી નથી. પરિણામે આ ખુલ્લી ગટરો મોટો અકસ્માત સર્જે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
ડીસા શહેરમાં દિવા-તળે અંધારું તેવો સ્થિતિ સર્જાઈ છે. જેની વાત કરવામાં આવે તો ડીસા ના મુખ્ય હાઇવેમાં ગાયત્રી મંદિરથી જલારામ મંદિર તરફ ના હાઇવેની સાઈડ આવેલી ગટરો લાંબા સમયથી ખુલ્લી પડી છે. ચોમાસા દરમ્યાન પણ આ ગટરો માં વરસાદી પાણી ભરાઈ જતા અને વાહન ચાલકો ફસડાઈ પડતા હોય છે. તેમ છતાં પણ આ ગટરોનું સમારકામ આજદીન સુધી કરવામાં આવ્યું નથી. વળી તેના સમારકામ બાબતની જવાબદારી કોની ? તે આજ સુધી નક્કી થઈ શક્યું નથી. અને આ વિવાદના કારણે ગટરો ઢાકવા બાબતે તંત્ર દ્વારા દુર્લક્ષ રાખવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી આ ગટરો ખુલ્લી પડી છે. વળી રોડ સાઈડની આ ખુલ્લી ગટરોના સ્લેબ ઠેક- ઠેકાણે તૂટી જતા સાક્ષાત મોત સમાન અને જોખમી એવા લોખંડના સળિયા તેમાંથી બહાર નીકળી ગયા છે. જે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ બની શકે તેમ છે. તેમ છતાં પણ આ બાબતે હાઇવે ઓથોરીટી કે પાલિકાના પેટનું પાણી પણ હલતું નથી.
વળી અહીં નજીકમાં ડોકટર હાઉસ આવેલું છે.અહીં દિવસ દરમ્યાન હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ ઉપરાંત અહીં બે થી ત્રણ બેંકો અને એટીએમ ના કારણે પણ સતત લોકોનો ધસારો રહે છે. તેમજ ડીસાના પ્રવેશ માટેનો એકજ સર્વિસ રોડ હોવાથી સતત વાહનો પસાર થતાં હોય છે. ત્યારે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તેમ છે. પ્રથમ દ્રષ્ટિ એ જ જોતા આ ખુલ્લી ગટરો અંત્યત જોખમી લાગી રહી છે. ત્યારે ખુલ્લી મોતના કુવા સમાન આ ગટરો સત્વરે ઢાંકી તેનું સમારકામ કરવામાં આવે, નહિ તો કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તેમ છે . ડીસા ગાયત્રી મંદિર થી જલારામ મંદિર તરફ ના મુખ્ય માર્ગ ઉપર આવેલી આ ગટરો ખુલ્લી તો છે જ. સાથે-સાથે હાલમાં ચોમાસાની સિઝન હોઈ વરસાદી પાણીથી સતત ઉભરાઈ જતા રોડ ઉપર પણ ગંદકી ફેલાઈ જતા સ્થિતિ સ્ફોટક બની જાય છે. ખુલ્લી ગટરોના કારણે અહીં સતત દુર્ગંધ પણ ફેલાઈ જતા અહીંથી પસાર થતા રાહદારીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે.