પશ્ચિમ બંગાળમાં BJPને માત્ર TMC જ હરાવી શકે: મમતા બેનર્જી
- દેશભરમાં I.N.D.I.ગઠબંધન થશે, પરંતુ બંગાળમાં TMC એકલા હાથે લડશે અને ભાજપને હરાવશે: મમતા બેનર્જી
નવી દિલ્હી, 29 ડિસેમ્બર: લોકસભા ચૂંટણી 2024ની તૈયારી કરી રહેલો વિપક્ષ ફરી એકવાર વિખૂટા પડતો જોવા મળી રહ્યો છે. ક્યારેક કોંગ્રેસ સાથી પક્ષો પર હુમલો કરી રહી છે તો ક્યારેક અન્ય વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. આ દરમિયાન હવે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી અને શિવસેનાએ કોંગ્રેસ પાર્ટી પ્રત્યે પોતાનું વલણ દર્શાવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં માત્ર TMC જ બીજેપીને હરાવી શકે: મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે દેશભરમાં I.N.D.I.ગઠબંધન થશે, પરંતુ બંગાળમાં TMC એકલા હાથે લડશે અને ભાજપને હરાવી દેશે. મમતાએ કહ્યું કે બંગાળમાં બીજેપીને માત્ર ટીએમસી જ પાઠ ભણાવી શકે છે, અન્ય કોઈ પાર્ટી નહીં.
શિવસેનાએ પણ 23 બેઠકોની માંગ કરી હતી
મહારાષ્ટ્રમાં સીટોને લઈને I.N.D.I. ગઠબંધનમાં ટકરાવ જોવા મળ્યો હતો. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ મહારાષ્ટ્રમાં 48માંથી 23 બેઠકોની માંગણી કરી હતી, જેને કોંગ્રેસે નકારી કાઢી હતી. કોંગ્રેસના નેતા સંજય નિરુપમે શિવસેનાને તૂટેલી પાર્ટી ગણાવી હતી, જે બાદ સંજય રાઉતે પ્રતિક્રિયા કહ્યું કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) રાજ્યની સૌથી મોટી પાર્ટી છે અને કોંગ્રેસે શૂન્યથી શરૂઆત કરવી પડશે.
સપાએ પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા
આ પહેલા સપાએ પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સપાના વડાએ ગઠબંધનમાં સીટોની વહેંચણીમાં વિલંબને લઈને કોંગ્રેસ પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, બસપાના ગઠબંધનમાં સામેલ થવાની ચર્ચા પર સપા પણ નારાજ જોવા મળી હતી.
આ પણ વાંચો: બિહારમાં JDUમાં નેતૃત્ત્વ પરિવર્તન, હવે નીતિશકુમાર જ બૉસ