માત્ર આવું થશે તો જ “ફિર એક બાર મોદી સરકાર!” નહીં તો શું થશે?
નવી દિલ્હી, 2 જૂનઃ આમ તો લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે અને તેમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના એનડીએ જૂથને લગભગ બે તૃતિયાંશ બહુમતી મળશે એવું વિવિધ એજન્સીના અંદાજ દ્વારા સ્પષ્ટ થાય છે. છતાં દાયકાઓથી થાય છે એમ કેટલીક ભ્રમણાઓને ચૂંટણીનાં પરિણામો સાથે જોડી દેવામાં આવતી હોય છે. છેવટનું પરિણામ ન આવી જાય ત્યાં સુધી અમુક લોકોને આવી ધારણાઓને આધારે વાતો કરવામાં મજા આવે છે. આવી જ એક ધારણા દેશની અમુક બેઠકોનાં પરિણામ અંગે થઈ રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ બેઠકો ઉપર જે પક્ષના નેતાની જીત થાય એ જ પક્ષની સરકાર કેન્દ્રમાં બને. મજાની વાત એ છે કે આ માટે એ બેઠકોના છેલ્લી પાંચ ચૂંટણીનાં પરિણામોને પણ ટાંકવામાં આવ્યા છે જેથી પોતાના તર્કને સાબિત કરી શકાય. આ વાતો વધુ એક વખત સાબિત થશે કે નહીં એ તો ચોથી જૂને સાંજે જ ખબર પડશે, પરંતુ ત્યાં સુધી ચાલો જોઈએ એવી કઈ બેઠકો છે જ્યાં ઉમેદવારની જીત થાય તેનો પક્ષ કેન્દ્રમાં સત્તા પર આવે છે?
શરૂઆતમાં જમ્મુ લોકસભા સીટની વાત કરીએ તો અહીંથી ભારતીય જનતા પાર્ટી (BJP) 1998, 1999, 2014 અને 2019માં જીતી હતી અને આ સમયગાળા દરમિયાન કેન્દ્રમાં પણ ભાજપની સરકાર બની હતી. 1998-1999માં અટલ બિહારી વાજપેયીની સરકાર બની હતી. 2014 અને 2019માં મોદી સરકાર સત્તામાં આવી. તો 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પરથી જીતી હતી અને આ દરમિયાન કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
એ જ રીતે જમ્મુ અને કાશ્મીરની ઉધમપુર લોકસભા સીટની વાત કરીએ તો કોંગ્રેસે અહીંથી 1984, 1989, 2004 અને 2009માં જીત મેળવી હતી અને કેન્દ્રમાં સરકાર બનાવી હતી. આ ઉપરાંત 1996, 1998, 1999, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં અહીંથી ભાજપનો વિજય થયો હતો અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર બની હતી.
ઝારખંડની રાંચી લોકસભા સીટની ગણતરી પણ બેઠકોમાં થાય છે. 1996, 1998, 1999, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં અહીંથી ભાજપે જીત મેળવી હતી અને ત્યારબાદ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર બની હતી. તો 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાંચીથી જીત મેળવી હતી અને આ સમયગાળા દરમિયાન કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
1999, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની અલવર લોકસભા બેઠક પરથી ભાજપે જીત મેળવી હતી અને આ સમયગાળા દરમિયાન કેન્દ્રમાં પણ ભાજપની સરકાર બની હતી. તો 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં પણ અહીંથી કોંગ્રેસનો વિજય થયો હતો અને કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર બની હતી.
હરિયાણાની અંબાલા લોકસભા સીટની વાત કરીએ તો 1999, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં અહીંથી ભાજપે જીત મેળવી હતી અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર બની હતી. આ ઉપરાંત 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અહીંથી જીતી હતી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
એ જ પ્રમાણે હરિયાણાની ફરીદાબાદ લોકસભા સીટની વાત કરીએ તો કોંગ્રેસ અહીંથી 1980, 1984, 1989, 1991, 2004 અને 2009માં જીતી હતી અને કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર બની હતી. જ્યારે 1996, 1998, 1999, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં અહીંથી ભાજપે જીત મેળવી હતી અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર બની હતી.
હરિયાણાની કરનાલ લોકસભા સીટ ઉપર 1999, 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર બની હતી. જ્યારે 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અહીંથી જીતી હતી અને કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર બની હતી.
આ પણ વાંચોઃ EXIT POLL: દેશમાં મોદી મેજિક યથાવત, NDA 350 પાર, I.N.D.I.A.ને 125થી 150 બેઠકો