સમાજ તેમજ દેશના વર્તમાન અને ભવિષ્ય બંનેના દ્યોતક પુસ્તકો જ હોય છેઃ અમિતભાઈ શાહ
- ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ટ્રસ્ટ સંચાલિત અને સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલો સાથે યોજાયો સંવાદઃ રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત
- આપણો ગુજરાતી સાહિત્યનો સમૃદ્ધ વારસો અને ગુજરાતી ભાષા સંકોચાય નહીં તે જોવાની આપણા સૌની સામૂહિક જવાબદારી
- ગ્રંથપાલનું કામ ભવિષ્યની પેઢીના નિર્માણનું, આ કાર્ય યાંત્રિક રીતે નહીં પરંતુ વાચક સાથે ભાવનાત્મક રીતે જોડાઈને કરવું જોઈએ
- પ્રત્યેક પુસ્તકને વાચક મળે તે માટે તેમજ નૂતન વર્ષમાં ૩૦ ટકા વાચકોનો વધારો થાય તેવો સામૂહિક સંકલ્પ લેવા ગૃહમંત્રીનો અનુરોધ
ગાંધીનગર, 1 નવેમ્બર, 2024: સમાજ તેમજ દેશના વર્તમાન અને ભવિષ્ય બંનેના દ્યોતક પુસ્તકો જ હોય છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આજે જણાવ્યું હતું. અમિતભાઈ શાહ આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ટ્રસ્ટ સંચાલિત અને સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલશ્રીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા ત્યારે તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત હતા.
અમિત શાહે ગ્રંથાલય ઉત્કર્ષ, નવીનીકરણ અને વાંચન સંસ્કૃતિના વિકાસ હેતુસર યોજાયેલા આ સંવાદમાં ઉપસ્થિત સૌને દિપાવલી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે પ્રત્યેક પુસ્તકાલયમાં વાંચનનું ક્ષેત્ર વ્યાપક બને, પુસ્તકોનો ઉપયોગ વધે, તેમ જ વાંચનની વિવિધતા પણ વધે અને બાળકોમાં અને યુવાનોમાં વાંચનમાં રુચિ કેળવાય તે દિશામાં ચોક્કસ પ્રયાસો થવા જોઈએ. તેઓએ પ્રત્યેક પુસ્તકને વાચક મળે તે માટે તેમજ નૂતન વર્ષમાં ૩૦ ટકા વાચકોનો વધારો થાય તેવો સામૂહિક સંકલ્પ લેવા અનુરોધ પણ કર્યો હતો. બાળકો, કિશોરો અને યુવાનોમાં વાંચનની ભૂખ વધે તે દિશામાં પ્રયાસો કરવા અને તે માટે તમામ પ્રકારના સહયોગની ખાતરી પણ શ્રી શાહે ઉચ્ચારી હતી.
કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે વ્યક્તિના બૌદ્ધિક વિકાસમાં પુસ્તકો ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે. ભવિષ્યની પેઢીના સર્જન માટે પુસ્તકાલય ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિ, સમાજ, સાહિત્ય અને દેશના ઉન્નત વિકાસ માટે વાંચન અત્યંત આવશ્યક છે. કોઈપણ સમાજ કે દેશના વર્તમાન અને ભવિષ્ય બંનેના દ્યોતક પુસ્તકો જ હોય છે. કોઈપણ દેશ કે સમાજનું ભવિષ્ય કેવું હશે તેનો અંદાજ શાળાઓ અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા પરથી નહીં પરંતુ કેટલા બાળકો અને યુવાનો પુસ્તકાલયમાં જાય છે તેના પરથી જ લગાવી શકાય છે. શિક્ષણ અને વાંચન બંનેના ઉદ્દેશ્ય અલગ છે અને તે બંનેને અલગ જ રાખવા જોઈએ. તેઓએ કહ્યું કે સફળ માણસ બનાવવા ખૂબ સરળ હોય છે પરંતુ મોટા અને વિચારશીલ વ્યક્તિઓ બનાવવા તેઓને કેવળ પુસ્તકાલયથી જ શક્ય બને છે. સફળ વ્યક્તિ દેશના વિકાસમાં યોગદાન ચોક્કસથી આપી શકે છે પરંતુ દેશને મહાન મોટા અને વિચારશીલ માણસો જ બનાવી શકે છે અને તે માત્રને માત્ર પુસ્તકાલયોના માધ્યમથી જ શક્ય બનતું હોય છે.
અમિતભાઈએ પોતાના જીવનમાં થયેલા ચમત્કારિક પરિવર્તનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓના જીવનમાં માણસા ગામના પુસ્તકાલયનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. તેઓએ પુરાણી સાહેબ તેમજ ગ્રંથપાલ શ્રી કંસારા સાહેબને યાદ કરતા કહ્યું કે આ બંને મહાનુભાવોએ માણસાના બાળકોના જીવનમાં ઉજાસ રેલાવવાનું કામ કર્યું. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગિજુભાઈ બધેકા, બકોર પટેલ, રમકડું, ઝગમગ જેવા વાર્તાઓના પુસ્તકોથી શરૂ કરીને બાળકોને હવે કયા પ્રકારના પુસ્તકોના વાંચન તરફ આગળ લઈ જવા તે આ બંને મહાનુભાવોએ સુપેરે પીછાણ્યું અને બાળકોને તે દિશામાં વાળ્યા પણ ખરા. તેઓએ કહ્યું કે આ બંને મહાન વ્યક્તિઓએ બાળકો અને યુવાનોની વાંચવાની વૃતિને રસમાં અને તેને વાંચવાના વ્યસનમાં પરિવર્તિત કર્યા.
અમિત શાહે ગ્રંથપાલ તરીકેનું કામ યાંત્રિક રીતે નહીં પરંતુ ભાવનાત્મક રીતે જોડાઈને કરવાની હિમાયત કરતા કહ્યું કે પ્રત્યેક વાચક કયું પુસ્તક વાંચે છે તેનો પૃથ્થકરણ થાય તે માટે એક આગવું સોફ્ટવેર વિકસાવું જોઈએ અને તેના તે પુસ્તક વાંચનના રસને કઈ રીતે અને કઈ દિશામાં લઈ જવો તે કામગીરી ગ્રંથપાલે સુપેરે કરવી જોઈએ. તેઓએ કહ્યું કે માણસા ગામમાં રમકડું, ઝગમગ અને મિયા ફુસકીની વાતોના પુસ્તકોથી શરૂ થયેલી તેમની પોતાની વાંચન યાત્રા બાદમાં અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ, વેદ ઉપનિષદોનું વાંચન અને ચાણક્યના અર્થશાસ્ત્રની દિશામાં આગળ વધી તેઓએ કહ્યું કે કંસારા સાહેબે લીધેલ કાળજીને લીધે વાંચનની આ યાત્રાને ચોક્કસ દિશા મળી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોને રૂચી પડે તેવા પુસ્તકો અને સામયિકો પૂરા પાડી વાંચતા કરવા એ ખૂબ મહત્વનું કામ છે. ગ્રંથપાલની જવાબદારી એ માત્ર નોકરી નથી પરંતુ ભવિષ્યની પેઢીનો પાયો નાખવાનું કામ છે જો ભાવ અને તાદાત્મ્યથી આ કામ ન થાય તો ગ્રંથપાલ અને ક્લાર્ક વચ્ચે કોઈ ભેદ જ નહીં રહે. તેઓએ કહ્યું કે ગુજરાતી ભાષાને બીજા 500 વર્ષ જીવાડવી હશે તો મોટી મથામણ કરવી પડશે. વિશ્વના ઇતિહાસમાં અનેક ભાષાઓ અને સંસ્કૃતિઓ લુપ્ત થઈ ગઈ છે. બાળકો ભલે અંગ્રેજી માધ્યમમાં ભણે પરંતુ ગુજરાતી પુસ્તકોના વાંચન તરફ તેને વાળવાથી ગુજરાતી ભાષા આપોઆપ જીવી જશે. પરિણામોની સાથે પરિમાણોની પણ ચિંતા કરવી જરૂરી છે અનેક પરિમાણો નો સમાવેશ કરીને જ ઈચ્છિત પરિણામો મેળવી શકાશે.
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સૌરાષ્ટ્રની રસધાર પુસ્તકને ટાંકતા કહ્યું કે આપણે મજબૂત લોક સાહિત્યનો વારસો ધરાવીએ છીએ. આપણા એક પણ આવા લોકસાહિત્ય નહીં હોય કે જેમ તમામ વેદ ઉપનિષદોનો ઉપદેશ નિહિત ન થયેલ હોય. આ સમૃદ્ધ સાહિત્ય વારસો સંકોચાય નહીં તે જોવાની આપણે સૌની સામૂહિક જવાબદારી છે. તેઓએ ભવિષ્યમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા પુસ્તકાલયો કેવી રીતે સમૃદ્ધ થઈ શકે અને કઈ રીતે આ પ્રક્રિયાને પરિણામ લક્ષી બનાવી શકાય તે દિશામાં નક્કર કામગીરી માટેની ખાતરી પણ ઉચ્ચારી હતી. આગામી દિવસોમાં એક દિવસે શિબિરનું આયોજન કરી રોડ મેપ અને કાર્ય યોજના તૈયાર કરવાનું પણ તેઓએ ઉમેર્યું હતું
શ્રી શાહે અંતમાં કહ્યું હતું કે આગામી ૨૫ વર્ષ બાદ ૨૦૪૭ માં મહાન ભારતની રચના કરવી હોય તો ૨૫ વર્ષની ઉંમરે જ મહાન હોય તેવા યુવાઓનું નિર્માણ જરૂરી છે અને તે પુસ્તકાલયના માધ્યમથી જ શક્ય બનશે. તેઓએ વાંચનને વ્યાપક બનાવવાના તમામ સૂચનો અને સમસ્યાઓને પોતાના સંસદીય કાર્યાલય પર મોકલી આપવા અને તેના માટે તમામ સહકાર આપવાની તત્પરતા પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદના અલીએ UPની સગીરા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કરી લગ્નના બહાને આચર્યું દુષ્કર્મ