રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે 18 ઓગસ્ટના રોજ ગૃહ બાબતોની કાયમી સમિતિને ત્રણ બિલ સમીક્ષા માટે મોકલ્યા હતા. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના આંકડા અનુસાર છેલ્લાં ચાર વર્ષોમાં સમીક્ષા માટે મોકલવામાં આવેલા કુલ બિલની સંખ્યા માત્ર 37 જ રહી છે. આ બિલોમાંથી 6 સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય અને 5 ગૃહ મંત્રાલયના હતા.
પીઆરએસના આંકડામાં ચોંકાવનારો ખુલાસો
પીઆરએસના આંકડા અનુસાર 17મી લોકસભામાં સંસદમાં કુલ 210 બિલ રજૂ કરાયા હતા પણ તેમાંથી ફક્ત 37 જ બિલ સંસદીય સમિતિ સમક્ષ સમીક્ષા માટે મોકલાયા. એટલે કે સંસદમાં રજૂ કરાયેલા બિલોમાંથી ફક્ત 17% બિલ સમીક્ષા માટે મોકલાયા હતા. 83 ટકા બિલને સંસદીય સમિતિની સમીક્ષા માટે મોકલાયા નહોતા.
17મી લોકસભામાં કેટલાં કાયદા બન્યા
ઉલ્લેખનીય છે કે 17મી લોકસભા દરમિયાન રજૂ કરાયેલા 210 બિલમાંથી નાણા મંત્રાલયના વિનિયોગ (ધન) બિલ અને નાણા બિલને મિલાવીને 62 કાયદા બન્યા. ગૃહ મંત્રાલયના 25 અને કાયદા મંત્રાલયના 16 બિલ પાસ કરી કાયદા બનાવાયા. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે 15 કાયદા બનાવ્યા અને કેન્દ્રીય જનજાતીય બાબતોના મંત્રાલયે નવ કાયદા બનાવ્યા હતા.
કઈ લોકસભામાં કેટલા બિલ મોકલાયા ?
આઠ કેન્દ્રીય મંત્રાલયોએ એક એક બિલ અને નવ મંત્રાલયે બે બે બિલ સંસદમાં રજૂ કર્યા હતા. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ અનુસાર 16મી લોકસભામાં 25 ટકા બિલને જ સંસદીય સમિતિને મોકલાયા હતા. જ્યારે 15મી લોકસભામાં 71% અને 14મી લોકસભામાં 60% બિલને સમીક્ષા માટે મોકલાયા હતા.
આ પણ વાંચો : અમદાવાદ ફાયર વિભાગના 8 અધિકારીઓને શો – કોઝ નોટિસ ફટકારાઈ, ફાયરની બોગસ ડિગ્રી મેળવવાનો આરોપ