ગુજરાત

મોરબીમાં ઓનરકિલીંગ, પુત્રી સાથે પ્રેમ કરતો હોવાની શંકામાં યુવકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

Text To Speech

મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા મિતેશ કુબાવત નામના યુવકનું અપહરણ કરી, ઢોરમાર મારી મોતને હવાલે કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગત મુજબ 181 અભ્યમના ડ્રાઇવરની નોકરી કરતો મિતેશ મંગળવારે પોતાની ડ્યૂટી પૂરી કરીને ઘરે આવ્યો હતો. જે બાદ સાંજના સમયે બાઇક લઇ બહાર નીકળ્યો હતો ત્યારે મિલન કટલેરીની દુકાન નજીક એક કારે તેને ઠોકર મારી ત્રણ શખ્સોએ તેનું અપહરણ કરી દુર લઇ ગયા હતા અને ધોકા પાઈપ અને ઢીકા પાટુનો માર મારી ગંભીર ઈજા પહોચાડી હતી.

યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો
આ ઘટનાની જાણ થતા મિતેશના પરિવારજનો તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે તબિયત વધુ લથડતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. આ બનાવમાં યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવ અંગે મૃતકની માતા ગીતાબેને ગામમાં જ રહેતા ધર્મેશભાઈ વિડજા, પરેશભાઈ વિડજા અને મીનાબેન વિડજા વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

પાવડાના હાથા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમનો પુત્ર મિતેશ અને ભત્રીજો નીતેશ તેનું બાઈક લઈને મહેન્દ્રનગર તરફ જતા હતા તે દરમિયાન એક કારે સામેથી આવી ને ઠોકર મારી તેમને પછાડી દીધા હતા. બાદમાં ધર્મેશ વિડજા નામની વ્યક્તિ તેમાંથી નીચે ઉતરી હતી બન્ને પર પાવડાના હાથા વડે તેમના પર હુમલો કરી દીધો હતો. જેમ તેમ કરીને નીતેશ બચીને ઘરે આવ્યો હતો.

મિતેશનું કારમાં અપહરણ કરી દુર લઇ ગયા
સમગ્ર ઘટના અંગે વાત કરતા પરિવારના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે મિતેશનું કારમાં અપહરણ કરી દુર લઇ ગયા હતા. જયારે બાઈક ત્યાં પડ્યું હતું.​​​​​​​​​​​​​​ મિતેશની તપાસ કરતા તે મળ્યો ન હતો. દરમિયાન સાંજના સમયે ચંદુભાઈ નામની કોઇ વ્યકિતનો ભરતભાઈને ફોન આવ્યો હતો કે મહેન્દ્રનગરના સીએનજી પંપની પાછળના ભાગમાં તમારો પુત્ર મિતેશ લોહી લુહાણ હાલતમાં છે. આ વાતની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મિતેશે જણાવ્યું હતું કે હેતવી પટેલ સાથે પ્રેમસંબંધ હતો
​​​​​​​હોસ્પિટલ જતી વખતે મિતેશે જણાવ્યું હતું કે મહેન્દ્રનગરમાં રહેતી હેતવી પટેલ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તેનો ખાર રાખી તેના પર હુમલો કરી હત્યા નીપજાવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

યુવાન 181 અભયમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો
મૃતક મિતેષ કુબાવત અને તેના પિતા ભરતભાઇ કુબાવત મોરબીમાં મહિલા હેલ્પ લાઈન 181માં કોન્ટ્રાકટ બેઇઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે અને હત્યાના દિવસે સવારે પણ યુવકે 181માં ફરજ બજાવી બપોરના સમયે ઘરે પરત આવ્યો હતો.

Back to top button