ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ પૈસા નહીં આપનાર કલોલના વેપારીને એક વર્ષની કેદ
પાલનપુર- 22 ઓગસ્ટ 2024, ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ કલોલના વેપારીએ ₹8.89 લાખનું પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રીટર્ન થતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કલોલના વેપારીને એક વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 8.89 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
બિલ પેટે 8,89,000 નું બિલ બાકી હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે ડીસા તાલુકાના ડાવસ ગામના વતની અને રાણપુર રોડ પર ખોડીયાર પાર્કની સામે અર્બુદા ટ્રેડિંગ નામની દુકાન ધરાવનાર કનૈયાલાલ હંજારીલાલ પરમાર (માળી) બટાકાનો વેપાર કરે છે. જેઓની પાસેથી મૂળ જુના ડીસાના વતની અને હાલમાં કલોલની કલ્યાણપુર એપીએમસીમાં દુકાન નંબર 16 માં ભોલેનાથ આલુ ભંડારના નામથી બટાકાનો વેપાર કરતા હિતેશભાઈ ઉર્ફે મુકેશભાઈ ગંગારામભાઈ પઢિયાર (માળી) બટાકા ખરીદતા હતા.બંને વેપારીઓ એકજ સમાજના હોવાથી તેઓ વચ્ચે સારા વેપારી સંબંધો સ્થપાયા હતા અને માલના પૈસા સમયસર ચૂકવતા હતા. જોકે તારીખ 25 /9 /2020 થી 12 /1/ 2021 દરમિયાન કનૈયાલાલે બટાકાની ગાડીઓ ભરાવી હતી. જેના બિલ પેટે 8,89,000 નું બિલ બાકી હોવાથી કનૈયાલાલે ઉઘરાણી કરતા હિતેશભાઈએ બેન્ક ઓફ બરોડા છત્રાલ શાખાનો ચેક આપ્યો હતો.
ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો
જે ચેક તેઓએ બેંકમાં નાખતા “પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવર”ના શેરા સાથે તારીખ 23 /2/ 21 ના રોજ પરત આવ્યો હતો .જેથી કનૈયાલાલે તેમના વકીલ મારફત નોટિસ મોકલી હતી પરંતુ તેનો કોઈ જવાબ કે પૈસા ન ચૂકવી હિતેશભાઈનો ઇરાદો કનૈયાલાલને છેતરવાનો હોવાનું સાબિત થયું હતું. જેથી તેઓએ ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશભાઈ એન.પટેલે ફરિયાદી પક્ષના વકીલ પી. સી. સુંદેશાની દલીલોને ગ્રાહ્ય રાખી હતી તેમજ આરોપી હિતેશભાઈ ઉર્ફે મુકેશભાઈ ગંગારામભાઈ પઢીયારને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને ચેક ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.
આ પણ વાંચોઃઅંધશ્રદ્ધ રોકવા અંગેના કાયદાને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સમર્થન આપશે