ગુજરાતચૂંટણી 2022

એક મતથી કોઈની સત્તા ગઈ તો કોઈએ દુનિયા પર રાજ કર્યું, જાણો શું છે એક મતની તાકાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે ખાસ કરીને આજની યુવા પેઢીમાં મતદાનને લઈને ઓછી જાગૃતતા જોવા મળે છે. મોટાભાગનાં યુવાનો એમ વિચારે છે કે તેમના એક મતથી શું ફરક પડી જવાનો છે ? અને આ વિચારધારાને અનુસરીને તેઓ મતદાન કરતાં નથી, જે આપણાં લોકતંત્રને મોટું નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : બીજા તબક્કાના પ્રચાર પડધમ આજે સાંજે 5 વાગ્યાથી થશે શાંત

એક વોટની શું કિંમત હોય શકે ? આ સવાલ દરેકના મનમાં થતો હોય છે, પરંતુ તમારો આ એક વોટ કોઈ પણ પક્ષની સત્તા પણ પલટી શકે છે અને ઈતિહાસ આ વાતનો સાક્ષી છે, કારણ કે, એક વોટના લીધે ભૂતકાળમાં ઘણાં મહાનુભાવોની ખુરશી છીનવાય ગઈ હતી. આવો અમે તમને જણાવીએ કે એક વોટની કેટલી કિંમત હોય છે અને તે ભૂતકાળમાં તેણે કેટલો મોટો ઊલટફેર કર્યો હતો.

 

Sardar Patel - Hum Dekhenge News
Sardar Patel

સરદાર પટેલે મેળવેલી જીત એક મતનાં લીધે હારમાં પરિણમી

સરદાર પટેલે તેમનાં રાજકારણનો પહેલો અનુભવ અમદાવાદ મ્યુનિસિપાલીટીની પેટાચૂંટણીમાં કર્યો હતો. આ પેટાચૂંટણીમાં તેઓ અમદાવાદની દરિયાપુર બેઠક પરથી લડ્યાં હતા અને એક મતથી વિજય મેળવ્યો હતો. આ પેટાચૂંટણીમાં સરદાર પટેલને 314 મત મળ્યાં હતાં અને તેમનાં હરિફ બેરિસ્ટર મોયુદ્દીનને 313 મત મળ્યાં હતા. અમદાવાદના ઈતિહાસમાં એક મતે નક્કી કરેલી આ પહેલી ચૂંટણી હતી, તેથી આ મત ગણતરીને કોર્ટમાં પડકારવામાં આવી અને 26 માર્ચ 1917માં કોર્ટ તરફથી આ પેટાચૂંટણીને રદ્દ કરવામાં આવી હતી, જેને લીધે સરદાર પટેલની એક મતના લીધે હાર થઈ હતી.

Atal Bihari Vajpayi - Hum Dekhenge News
Atal Bihari Vajpayi

અટલ સરકારનું પતન

ભારતનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સરકાર પણ એક વોટથી પડી ભાંગી હતી.એપ્રિલ, 1999 ભારતીય ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઘટના તરીકે નોંધાયેલ છે. તે જ દિવસે 13 મહિના જૂની અટલ બિહારી વાજપેયી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અને અવિશ્વાસની દરખાસ્ત માત્ર એક મતથી પસાર થઈ હતી. પ્રસ્તાવની તરફેણમાં 270 અને વિરોધમાં 269 મત પડ્યા હતા અને પરિણામે અટલજીની સરકાર પડી ગઈ હતી.

C P Joshi - Hum Dekhenge News
C P Joshi

સી.પી. જોશીની હાર

એક વોટથી ઉલટફેરની વધુ એક ઘટના રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પણ થઈ હતી. વર્ષ 2008ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સી.પી.જોશી માત્ર એક મતથી હારી ગયા હતા. આ ચૂંટણી દરમ્યાન ભાજપના કલ્યાણસિંહ ચૌહાણને 62,216 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના સી.પી.જોશીને 62,215 મત મળ્યા. તે સમયે તેઓ મુખ્યમંત્રી પદના મજબૂત ઉમેદવાર હતા પરંતુ એક મતથી મળેલ હારને કારણે તેમની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

A R Krishnamurthy - Hum Dekhenge News
A R Krishnamurthy

એ.આર.કૃષ્ણમૂર્તિની હાર

વર્ષ 2004ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એ.આર. કૃષ્ણમૂર્તિએ જનતા દળ સેક્યુલરની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ પણ એક વોટથી મળેલી હારને કારણે ચૂંટણી જીતી શક્યા નહોતા. 2004ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં તેમના હરીફ ધ્રુવ નારાયણને 40752 વોટ મળ્યા હતા, જ્યારે કૃષ્ણમૂર્તિને 40751 વોટ મળ્યા હતા અને તેમની હાર થઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં એક મતથી પરાજય મેળવનાર એ.આર.કૃષ્ણમૂર્તિ પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

એક વોટથી મોટા ઉલટફેરની ઘટનાઓ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વમાં પણ ઘટી હતી. અમેરિકા અને યુ.કે. સહિત મોટા દેશોમાં પણ વૈશ્વિક સ્તરે આ ઉલેટફેરની ઘટનાં બની હતી.

Rutherford B Hayes - Hum Dekhenge News
Rutherford B Hayes

યુએસ પ્રમુખપદની ચૂંટણી

ઈ.સ. 1876 ​​માં, યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં રધરફોર્ડ બી. હેઝ અને ટિલ્ડન વચ્ચે સ્પર્ધા હતી. જેમાં, ટિલ્ડેન 2,50,000 ના માર્જિનથી લોકપ્રિય મત જીત્યા હતા. પરંતુ જ્યારે ઈલેક્ટોરલ વોટની વાત આવી ત્યારે તેમને માત્ર 184 વોટ મળ્યા જ્યારે રધરફોર્ડને 185 વોટ મળ્યા, જેનાથી તેમની જીત સુનિશ્ચિત થઈ હતી અને મોટો પક્ષપલટો થયો હતો.

Margaret Thatcher - Hum Dekhenge News
Margaret Thatcher

એક વોટથી માર્ગારેટ થેચર મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા

ઇંગ્લેન્ડના વડા પ્રધાન માર્ગારેટ થેચરના જીવનમાં પણ એક મતે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈ.સ.1979ની વાત છે. તે દિવસોમાં થેચર વિરોધ પક્ષના નેતા હતા અને ઇંગ્લેન્ડમાં વડા પ્રધાન જેમ્સ કેલાઘનની લેબર પાર્ટી સત્તામાં હતી. ત્યારે થેચરે પીએમ જેમ્સ કેલાઘન સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી અને ચૂંટણી લડી હતી, જેમાં પ્રસ્તાવની તરફેણમાં 311 અને વિરોધમાં 310 મત પડ્યા હતા. એટલે કે દરખાસ્ત એક મતથી પસાર થઈ હતી. તે પછી, માર્ગારેટ થેચર ચૂંટણીમાં વિજય સાથે મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા.

Adolf Hitler - Hum Dekhenge News
Adolf Hitler

હિટલર સામે એક મત

વિશ્વનો પ્રખ્યાત જર્મન લીડર હિટલરની વિરુદ્ધમાં આપેલાં એક વોટની ઘટના આજે પણ લોકોને યાદ છે. ઈ.સ.1919માં જ્યારે નાઝી પાર્ટીની સ્થાપના થઈ હતી, ત્યારબાદ ઈ.સ. 1921 માં, હિટલરે નાઝી પાર્ટીની કમાન સંભાળી હતી. પરંતુ નાઝી પાર્ટીની કમાન સંભાળતા પહેલા પાર્ટીના ઘણા સભ્યો હિટલરની વિરુદ્ધ હતા અને તેઓ માનતા હતા કે હિટલર ખૂબ મહત્વાકાંક્ષી છે અને તેના કારણે તેઓએ હિટલરની શક્તિઓને મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે, નારાજ થઈને હિટલરે પાર્ટી છોડી દીધી, ત્યારે તેમને સમજાયું કે હિટલર જેવા પ્રભાવશાળી વ્યક્તિના જવાથી પાર્ટી પર અસર થશે અને હિટલર પોતાની શરતો પર પાર્ટીમાં પાછો ફર્યો અને 29 જુલાઈ, 1921ના રોજ હિટલરને પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટવા માટે મતદાન થયું હતું. તેમાં કુલ 554 સભ્યોમાંથી માત્ર એક સભ્યએ હિટલરની વિરુદ્ધમાં મતદાન કર્યું. એવા સમયે જ્યારે તમામ સભ્યો હિટલરની સાથે ઊભા હતા, ત્યારે હિટલર જેવા લીડરની વિરુદ્ધમાં જવું એ ખરેખર એક ઐતિહાસિક અને સાહસિક પગલું હતું.

આમ, આપણે વિચારતા હોઈએ છીએ કે આપણાં એક વોટથી શું ફરક પડશે ? પરંતુ ક્યારેક આપણો આ એક મત કોઈ પણ સરકારની ખુરશી છીનવી શકે છે અથવા કોઈ પણ સરકારને ખુરશી પર બેસાડી પણ શકે છે. તો લોકશાહીનાં આ પર્વમાં મતદાન કરી આપણી નૈતિક ફરજ અદા કરીએ.

Back to top button