‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને કેન્દ્રનું મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના


HD ન્યૂઝ ડેસ્કઃ ‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને એક મોટું પગલું ઉઠાવતા કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં બનેલી સમિતિ કાયદાના તમામ પાસાઓ પર વિચાર કરશે અને લોકો પાસેથી અભિપ્રાય લેશે.
પેનલમાં અન્ય કોનો સમાવેશ કરવામાં આવશે તેની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. સભ્યો અંગેનું જાહેરનામું પછીથી બહાર પાડવામાં આવશે. વન નેશન, વન ઈલેક્શનનો વિચાર એટલે દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી.
કેન્દ્રએ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યુંઃ કેન્દ્ર સરકારે 18-22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વિશેષ સત્ર દરમિયાન એક દેશ, એક ચૂંટણી સંબંધિત બિલ રજૂ કરી શકે છે.
પ્રથમ વિશેષ સત્રઃ આગામી વિશેષ સત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના 9 વર્ષમાં આ પ્રકારનું પ્રથમ વિશેષ સત્ર હશે. આ પહેલા 30 જૂન 2017ના રોજ GST લાગુ કરવા માટે મધ્યરાત્રિએ લોકસભા અને રાજ્યસભાની ખાસ સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. 18 સપ્ટેમ્બરથી બોલાવવામાં આવેલ, આ પાંચ દિવસનું પૂર્ણ સત્ર હશે, જેમાં પાંચ બેઠકો યોજાશે. આમાં, સામાન્ય સત્રની જેમ બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ની અલગ-અલગ બેઠકો થશે.
આ પણ વાંચોઃ UCC, એક દેશ-એક ચૂંટણી, મહિલા અનામત… આ બિલો સંસદના વિશેષ સત્રમાં રજૂ થઈ શકે