ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

નિકાહ કરવા માટે પાકિસ્તાનમાંથી વધુ એક મહિલા ભારત પહોંચી, કોણ છે એ?

  • પાંચ વર્ષ સુધી રાહ જોઈ અંતે ભારત પહોંચી જવેરિયા ખાનુમ
  • બે વાર વિઝા રદ બાદ મળ્યા 45 દિવસના વિઝા
  • કરાચીની જવેરિયા ખાનુમ 6 જાન્યુઆરીએ કરશે ભારતીય મંગેતર સમીર ખાન સાથે નિકાહ

પંજાબ, 06 ડિસેમ્બર: સીમા-સચીન બાદ ફરી એક કપલ ચર્ચામાં આવ્યું છે. સીમાની જેમ જ પોતાના પ્રેમી માટે પાકિસ્તાનથી ભારત નિકાહ કરવા માટે વિઝા લઈ કરાચીની રહેવાસી જવેરિયા ખાનુમ અટારી સરહદે આવી પહોંચી છે. છેલ્લા પાંચ વર્ષથી પોતાની ભારતીય મંગેતર સાથે નિકાહની રાહ જોઈ રહેલી જવેરિયા ખાનુમ આખરે પાકિસ્તાનથી વાઘા-અટારી બોર્ડર થઈને ભારત પહોંચી છે. અટારી બોર્ડર પર તેના મંગેતર સમીર ખાને તેને ફૂલોનો ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું હતું. જવેરિયાએ ભારતની ધરતી પર પગ મૂકતાની સાથે જ ભગવાનનો આભાર માન્યો હતો. તેણી કહ્યું કે તેનું સપનું પાંચ વર્ષ પછી પૂરું થવાનું છે.

 

વિઝા બે વાર રદ થયા 

કરાચીની રહેવાસી 21 વર્ષીય જવેરિયા ખાનુમના વિઝા આ પહેલા બે વખત કેન્સલ કરવામાં આવ્યા હતા. જેના કારણે તે ભારત આવી શકી ન હતી. આ કારણે સમીર ખાન અને જાવરિયા બંનેના પરિવારો ભારે ટેન્શનમાં હતા.

મળતી માહિતી મુજબ, જવેરિયા ખાનુમને ભારતના 45 દિવસના વિઝા આપવામાં આવ્યા છે. જવેરિયાના નિકાહ કોલકાતાના રહેવાસી સમીર ખાન સાથે નક્કી થયા હતા. નિકાહની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. પરંતુ જ્યારે જવેરિયાએ ભારત આવવા માટે વિઝા માટે અરજી કરી ત્યારે તે રદ થઈ ગયા હતા. જેના કારણે પરિવારના સભ્યો ભારે નિરાશ થઈ ગયા હતા.

અંતે 45 દિવસના વિઝા મળ્યા

પરંતુ તેણીએ ફરીથી વિઝા માટે અરજી કરી. જવેરિયાના વિઝા બીજી વખત પણ રદ કરવામાં આવ્યા હતા. જે બાદ સમીરના પરિવારે સામાજિક કાર્યકર અને પત્રકાર મકબૂલ અહેમદ વાસી કાદિયાનો સંપર્ક કર્યો હતો. તેમને ખબર પડી કે મકબૂલે ઘણી પાકિસ્તાની દુલ્હનોને વિઝા અપાવવામાં મદદ કરી હતી. સમીર અને તેના પિતા યુસુફઝાઈએ મકબૂલને તેમની સમસ્યાઓ વિશે જણાવ્યું. જે બાદ મકબૂલના પ્રયાસો ફળ્યા અને ભારત સરકારે જવેરિયાને 45 દિવસના વિઝા આપ્યા છે.

સમીરે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે મારી મંગેતર ભારત આવી છે. અમે 6 જાન્યુઆરીએ નિકાહ કરીશું. 45 દિવસ પછી અમે વિઝા એક્સટેન્શન માટે અરજી કરીશું. જવેરિયાના વિઝા કેન્સલ થતાં અમારા બંને પરિવારો ખૂબ જ પરેશાન હતા. પરંતુ હવે જ્યારે જવેરિયા ભારત આવી છે ત્યારે અમે ખૂબ જ ખુશ છીએ.

આ પણ વાંચો: હજ માટે નોંધણીની પ્રક્રિયા થઈ શરૂ, જાણો કોણ કરી શકશે અરજી?

Back to top button