સૈફ અલી કેસમાં વધુ એક શકમંદની અટકાયત, પોલીસ કરી રહી છે પૂછપરછ
મુંબઈ, 18 જાન્યુઆરી, 2025: સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે વધુ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, હુમલાના 60 કલાક પછી પણ પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કે આરોપીઓની ઓળખ થઈ નથી.
જે વધુ એક શકમંદની અટકાયત કરવામાં આવી છે તે અંગે જોકે વધુ માહિતી બહાર આવી નથી અને મુંબઈ પોલીસે પણ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. પોલીસ શંકાસ્પદ વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તેની પૂછપરછ કરી રહી છે. એ નોંધવું જોઈએ કે સૈફ પર હુમલાને 60 કલાક વીતી ગયા છે અને પોલીસ હજુ પણ ખાલી હાથ છે.
બધા સીસીટીવી ફૂટેજ તપાસવા છતાં પોલીસ એક પણ પુરાવો શોધી શકી નથી, જે આશ્ચર્યજનક છે. તે અત્યાર સુધી આ કેસમાં આરોપીઓને ઓળખી કે પકડી કેમ શકી નથી તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પોલીસે શંકાસ્પદ આરોપીઓને શોધવા માટે 35 ટીમો બનાવી છે.
ગત ૧૫ જાન્યુઆરીના રોજ મધ્યરાત્રીએ ૨.૩૦ વાગ્યે હુમલાખોર સૈફના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર છરીથી હુમલો કર્યો. બીજા દિવસે, મુંબઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી, જ્યારે બીજો ફરાર હતો. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને હવે 60 કલાક પછી બીજા શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જોકે, એ સ્પષ્ટ નથી કે આ વ્યક્તિ કોણ છે, શું આ એ જ હુમલાખોર છે? પોલીસ હાલમાં આ અંગે કશું કહ્યું નથી.
અહેવાલો અનુસાર શુક્રવાર, 17 જાન્યુઆરીના રોજ શાહિદ નામના વ્યક્તિને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી. પાછળથી ખબર પડી કે તેનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. પોલીસે અત્યાર સુધી મેળવેલા સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ બાંદ્રા પોલીસ સ્ટેશનની આસપાસ અને પછી રેલવે સ્ટેશન પર ફરતો જોવા મળ્યો હતો. સૈફ પર હુમલાના ચાર દિવસ પહેલાં તેણે વર્સોવાના એક ઘરમાંથી જૂતાં ચોર્યા હતા. સૈફ પર હુમલા પછી તેણે રેલવે સ્ટેશનની એક દુકાનમાંથી હેડફોન ખરીદ્યા. પોલીસનું માનવું છે કે હુમલાખોર મુંબઈથી ભાગી ગયો હશે અથવા નજીકના કેટલાક વિસ્તારોમાં છુપાયેલો હશે.
આ પણ વાંચોઃ સૈફ વચ્ચે ન આવ્યો હોત તો…કરીનાએ મુંબઈ પોલીસને જણાવી હુમલાની આખી કહાની