શંભુ બોર્ડર પર તૈનાત વધુ એક પોલીસકર્મીનું ખેડૂત આંદોલનમાં મૃત્યુ
- ખેડૂતોના આંદોલનમાં શંભુ બોર્ડર પર તૈનાત એક પોલીસકર્મી ESI કૌશલ કુમારનું મંગળવારે મૃત્યુ થયું
- ફરજ પર અચાનક પોલીસકર્મીની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા
હરિયાણા, 20 ફેબ્રુઆરી: ખેડૂતોના આંદોલનમાં શંભુ બોર્ડર પર તૈનાત વધુ એક પોલીસકર્મી ESI કૌશલ કુમારનું મંગળવારે મૃત્યુ થયું છે. ફરજ પર હતા ત્યારે પોલીસકર્મી કૌશલ કુમારની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક અંબાલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ મહાનિર્દેશક શત્રુજિત કપૂરે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને તેમના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી છે.
56 વર્ષીય પોલીસકર્મીનું ફરજ પર મૃત્યુ
રિપોર્ટ અનુસાર, ખેડૂતોના આંદોલન દરમિયાન ઈએસઆઈ કૌશલ કુમારની ડ્યુટી ઘગ્ગર નદી પાસેના પુલ નીચે લગાવવામાં આવી હતી. તેઓ 56 વર્ષના હતા. તે યમુનાનગર જિલ્લાના કાંજીવાસ ગામના રહેવાસી હતા અને અંબાલામાં એકાઉન્ટ શાખામાં કામ કરતા હતા.
તેમના મૃત્યુના સમાચારથી હરિયાણા પોલીસ અને તેમના પરિવારમાં શોકનો માહોલ છે. કૌશલ કુમાર હંમેશા સંપૂર્ણ ગંભીરતા અને સમર્પણ સાથે તેમની ફરજ બજાવતા હતા. તેઓ તેમના સાથી પોલીસકર્મીઓ માટે પ્રેરણા સ્ત્રોત હતા. તેમની સેવા દરમિયાન, તેમણે ઘણા પ્રશંસનીય અને અનુકરણીય કાર્યો કર્યા હતા. તેમનું આકસ્મિક અવસાન એ હરિયાણા પોલીસ માટે અપુરતી ખોટ છે અને આપણા સુરક્ષાકર્મીઓએ આપેલા બલિદાનની યાદ અપાવે છે.
16 ફેબ્રુઆરીએ એક પોલીસકર્મીનું થયું હતું મૃત્યુ
નોંધનીય છે કે 16 ફેબ્રુઆરીએ શંભુ બોર્ડર પર તૈનાત જીઆરપી સબ-ઇન્સ્પેક્ટર હીરાલાલનું પણ અચાનક તબિયત લથડતા મૃત્યુ થયું હતું. હરિયાણા પોલીસના આ બીજા પોલીસકર્મી છે જે ખેડૂતોના આંદોલન દરમિયાન શંભુ બોર્ડર પર ફરજ પર મૃત્યુ પામ્યા. આ બે પોલીસકર્મીઓના મૃત્યુ હરિયાણા પોલીસ માટે ખૂબ જ દુઃખદ છે.
આ પણ વાંચો: ખેડૂત આંદોલન: પંજાબના ખેડૂતોને જ માત્ર તકલીફ છે? જાણો વાસ્તવિકતા