ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ ? જૂનાગઢમાં કેફી પીણું પીવાથી બેના શંકાસ્પદ મોત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ વધુ એક લઠ્ઠાકાંડ સર્જાવાની ભીતી સેવાઈ રહી છે. જૂનાગઢમાં કેફી પીણું પીવાથી બે વ્યક્તિઓના શંકાસ્પદ મોત થયા છે. આ ઉપરાંત ત્રણ લોકો સારવાર હેઠળ હોવાનું પણ સામે આવે છે. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ સામાન્ય જનતા કે મીડિયાના લોકોને પણ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
શું ઘટના બની ?
મળતી માહિતી મુજબ, જૂનાગઢ શહેરના ગાંધીચોક વિસ્તારમાં સોમવારે રાત્રે એક રીક્ષા ચાલકે દારૂ સમજી કોઈ કેફી પ્રવાહી પીધેલ જેથી તેની તબિયત લથડી હતી. દરમિયાન તેની સાથે રહેલા બીજા વ્યક્તિએ પણ આ જ પીણું પી લેતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્ને ઈસમોના સારવાર દરમિયાન મોત નીપજયા હતા.
ધારાસભ્ય ભીખા જોશી દોડી આવ્યા
આ ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓએ હોસ્પિટલમાં જવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે તેમને જવા દીધા ન હતા.
મૃતદેહો પીએમ માટે જામનગર મોકલાયા
આ બનાવમાં મોતના કારણની સતાવાર પૃષ્ટી કરવા પોલીસે તપાસ હાથધરી છે. ઉપરાંત મૃતકોના મૃતદેહોને એફ.એસ.એલ. પી.એમ. અર્થે જામનગર ખસેડાયા છે. હાલ આ ઘટના લઠ્ઠાકાંડ હોવાની ચર્ચાએ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. જોકે પોલીસે હાલ લઠ્ઠાકાંડ હોવાનો ઈન્કાર કર્યો છે.