દેશના વધુ એક રાજ્યમાં HMPV ની એન્ટ્રી, જાણો ભારતમાં કેટલા છે કેસ
નવી દિલ્હી. તા.7 જાન્યુઆરી, 2025: ભારતમાં એચએમપીવીનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત પછી હવે મહારાષ્ટ્રમાં પણ આના કેસ નોંધાયા છે. નાગપુરમાં એચએમપીવીના બે શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. તેઓ 7 અને 13 વર્ષના હોવાનું કહેવાય છે.
આરોગ્ય વિભાગના નાયબ નિયામક શશીકાંત સૌંદકરે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને દર્દીઓને સાજા થયા બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે. હવે આ બે શંકાસ્પદ દર્દીઓના અહેવાલો તપાસ માટે એઈમ્સ, નાગપુર મોકલવામાં આવ્યા છે.
ભારતમાં કેટલા છે કેસ
ભારતમાં એચએમપીવી ના ત્રણ કેસ પહેલેથી જ મળી આવ્યા છે. બેંગલુરુમાં બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આ વાતની પુષ્ટિ કરી છે. તમિલનાડુમાં પણ બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. દેશભરમાં શ્વસન રોગોનું નિરીક્ષણ કરવા માટે ચાલી રહેલા સર્વેલન્સ પ્રયાસોના ભાગરૂપે આ કેસો મળી આવ્યા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ સોમવારે કહ્યું હતું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આ કોઈ નવો વાયરસ નથી. તેની ઓળખ 2001માં જ થઈ હતી. અમે તમામ પગલાં લઈ રહ્યા છીએ અને દરેક પાસાઓ પર નજર રાખી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ ભારત સહિત 5 દેશમાં ફેલાયો HMPV, શું ફરી લાગશે લૉકડાઉન