

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવનાર ભરતી પ્રક્રિયા માટેની પરીક્ષાઓમાં ગેરરીતી ન થાય તે માટે અગાઉ કેટલીક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી દરમિયાન આજે વધુ એક ખાતાકીય પરીક્ષા મોકૂફ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ખાતાકીય પરીક્ષા મોકુફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે.
ક્યારે યોજાવાની હતી પરીક્ષા ?
મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ 4 અને 5 માર્ચના રોજ પંચાયત સેવા વર્ગ – 3 નિમ્નશ્રેણીની પરીક્ષા લેવામાં આવનાર હતી. જો કે કેટલાક કારણોસર આ પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી હોવાનો પરિપત્ર બોર્ડ દ્વારા સત્તાવાર રીતે વેબસાઈટ ઉપર મુક્યો છે.
પરીક્ષાની નવી તારીખ અંગે કોઈ સ્પષ્ટતા નહીં
ઉલ્લેખનીય છે કે પંચાયત બોર્ડ દ્વારા આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પરંતુ મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા ફરી ક્યારે લેવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.