હાર્ટ એટેકથી વધુ એક મોત, દવા લેવા ગયેલા ભાજપના આગેવાન હોસ્પિટલમા જ ઢળી પડ્યા
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યોછે. ખાસ કરીને નાની વયના લોકોમાં હાર્ટ એટેકના બનાવો લોકોની ચિંતા વધારી દીધી છે. ત્યારે રાજ્યમાંથી વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ યુવા પ્રમુખનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.
પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખનું હાર્ટે એટેકથી મોત
મળતી માહિતી મુજબ પાટડી નગરના ભાજપના ઉપપ્રમુખ અને પાટડી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ ઠાકોરને ગઈ કાલે રાત્રે હાથમાં દુ:ખાવો થતાં જાતે મોટરસાયકલ લઇ પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા.આ દરમિયાન પાટડી સરકારી હોસ્પિટલના બાકડે જ તેમને હ્રદયરોગનો હુમલો આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું.
ભાજપના ધારાસભ્યો સહિત આગેવાનો પરિવારજનોને આપી સાંત્વના
માત્ર 39 વર્ષની નાની ઉંમરે જ રાજુભાઈનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે રાજુભાઇ ઠાકોરના નિધનના સમાચાર મળતા ભાજપના ધારાસભ્યો સહિત આગેવાનો પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદીઓ લા પીનોઝના પિત્ઝા ખાતા પહેલા ચેતજો!