અમદાવાદ, 7 ઑક્ટોબર, 2024: શહેરનો મહાઠગ ટ્રાવેલ એજન્ટ તેજસ શાહ રોજેરોજ નવી મુશ્કેલીમાં સપડાઈ રહ્યો છે. હવે શહેરના એક ડૉક્ટરે તેજસ શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.
મળતા અહેવાલ અનુસાર શહેરના એક ડૉક્ટરે આ ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ રૂપિયા 11,82,000ની છેતરપિંડીની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે. આ અરજી દાખલ થવાને પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશન PI દેસાઈએ તાબડતોડ તપાસ શરૂ કરી દીધી હતી.
ગુજરાતના ગ્રાહકો સાથે એરલાઈન બુકિંગ અને હોટેલ વાઉચરના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર તેજસ શાહ અને તેની કંપનીના ચાર સંચાલકો વિરુદ્ધ એફઆઈઆર તો દાખલ થઈ જ ચૂકી છે. પરંતુ હવે ઘણા સમયથી તેની છેતરપિંડીનો ભોગ બની રહેલા અલગ અલગ લોકો તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આગળ આવી રહ્યા છે.
જોકે આમછતાં તેજસને બચાવવાનો પ્રયાસ કરનારા લોકો પણ પોલીસ ખાતાના જ હોવાનું પણ જાણવા મળે છે. એચડી ન્યૂઝે ત્રીજી ઑક્ટોબરના અહેવાલમાં લખ્યું હતું તેમ, સમગ્ર કેસને દબાવી દેવા માટે અને ઠગ ટોળકીને બચાવવા માટે કોઈ નિવૃત્ત પીએસઆઈ મોહબતસિંહ ચૌહાણ ધમપછાડા કરી રહ્યા છે. તેઓ તેમની વગથી આ કેસમાં પોલીસ ખાતાની તપાસ આગળ ન વધે એવા પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. તે ઉપરાંત એક વર્તમાન ડીવાયએસપી પરમાર પણ આ મામલામાં ટ્રાવેલ એજન્ટને બચાવવા માગતા હોવાનું કહેવાય છે. સાથે મળતી માહિતી મુજબ, CID ક્રાઈમના એક મહિલા PSIએ આરોપી તેજસ અને ફરિયાદી વચ્ચે મધ્યસ્થી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે પ્રશ્ન એ છે કે આ પોલીસ ખાતાના આ બધા અધિકારીઓ કોણ છે અને તેમને છેતરપિંડીના આ કેસમાં શું રસ છે?
તેજસ શાહ અને તેની ટોળકીએ ઓછામાં ઓછા 150 લોકો સાથે અંદાજે રૂપિયા 30 કરોડની છેતરપિંડી કરી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતના સૌથી મોટા ચીટર ટ્રાવેલ એજન્ટ તેજસ શાહ વિરુદ્ધ CID ક્રાઈમ દ્વારા ગુનો દાખલ