ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ , જાણો અત્યાર સુધી કેટલા આવ્યા સકંજામાં
ભાવનગર ડમીકાંડમાં SOGની ટીમે નિલેષ જાની નામના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 47 આરોપીઓની ધરપકડ કરી છે.અને આ મામલે પોલીસની કાર્યવાહી હજુ ચાલી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો ભાવનગરના ગામડાઓ ખૂંદી રહી છે. પોલીસ આરોપીઓની શોધખોળ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી રહી છે. એવામાં ભાવનગર SOGએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. નિલેષને આજે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગવામાં આવશે. નિલેષ જાનીની પૂછપરછમાં ઘણા ખુલાસાઓ થઈ શકે છે. બે દિવસ અગાઉ પણ ડમીકાડમાં પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા.
એક પછી એક ખુલાસા
અગાઉ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ભાવનગર જિલ્લામાં 11 વર્ષથી ચાલતા ડમીકાંડ કૌભાંડનો પર્દાફાશ થયાને એક મહિના કરતા પણ વધારે સમય થયો છે. પોલીસે બે દિવસ અગાઉ બે આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાંથી એક ગ્રામ્ય ડાક સેવક તરીકે નોકરી કરે છે. પોલીસે સાગર બાલાશંકર પડ્યા અને પંકજ પ્રેમજીભાઈ ધોરીયા ને ઝડપી પાડ્યા હતા. જેમાં સાગર તલગાજરામાં ગ્રામ્ય ડાક સેવક તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું. રાજ્યભરમાં ફેલાયેલા ડમીકાંડનું દંગલ હવે ધીમે ધીમે એક પૂર્વ આયોજીત ષડયંત્રનો ભાગ હોવા તરફ ઇશારો કરી રહ્યું છે. આ પ્રકરણમાં હાથ ધરાયેલ પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી રહેલા ખુલાસા ઇશારો કરી રહ્યા છે કે, આ એક સુઆયોજીત રીતે વર્ષોથી ડમીના નામે પરીક્ષા પાસ કરીને નોકરી મેળવવાનો ગોરખધંધો ચાલી રહ્યો હતો. આમ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 57 આરોપીઓ થયા છે. જેમાંથી ભાવનગર પોલીસે અત્યાર સુધીમાં ડમીકાંડમાં કુલ 47 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડના અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
આ પણ વાંચો : AMC દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા
ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ યથાવત છે. આ મામલે ભાવનગર પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ભાવનગરના નાયબ પોલીસ અધિક્ષક આર.આર સિંઘાલ, ભાવનગર SOGના પી.આઈ એસ.બી ભરવાડ, PSI આર.બી વાધીયા, PSI વી.સી જાડેજા, PSI એચ.આર જાડેજા, PSI ડી.એ વાળા, PSI એચ. એસ તિવારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટાભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા ડમીકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, મોટા ભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે. 2011થી ડમી ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ ડમી ઉમેદવારોએ અનેક પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ડમી ઉમેદવારોનો શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપીના કોલ ડિટેલ માટે ટેક્નિકલ ટીમની મદદ લીધી છે.