એક દેશ એક ચૂંટણીની તૈયારીઓ શરૂ: લૉ કમિશનનો અહેવાલ તૈયાર, આવતા સપ્તાહે સોંપશે
નવી દિલ્હી, 06 માર્ચ: લૉ કમિશન આગામી સપ્તાહે સરકારને એકસાથે ચૂંટણી અંગે પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. વન નેશન, વન ઇલેક્શન પર બંધારણમાં નવું પ્રકરણ ઉમેરવા અને 2029માં મધ્ય સુધીમાં સમગ્ર દેશમાં લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે એકસાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિવૃત્ત ન્યાયમૂર્તિ રિતુ રાજ અવસ્થીના નેતૃત્વ હેઠળનું પંચ એક સાથે ચૂંટણીઓ પર નવો અધ્યાય ઉમેરવા માટે બંધારણમાં સુધારાની ભલામણ કરશે. આ ઉપરાંત, કમિશન આગામી પાંચ વર્ષમાં ત્રણ તબક્કામાં વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ કરવાની ભલામણ પણ કરશે, જેથી મે-જૂન 2029માં 19મી લોકસભાની સાથે ચૂંટણીઓ યોજી શકાય.
કાયદા પંચ પોતાના રિપોર્ટમાં આ ભલામણો કરશે
કાયદા પંચે તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવાને સરકાર પડી ભાંગે છે અથવા સામાન્ય ચૂંટણીમાં ગૃહમાં ત્રિશંકુ જનાદેશ આવે છે, તો એવામાં વિવિધ રાજકીય દળો સંયુક્ત ગઠબંધન કરીને સરકારની રચના કરી શકે છે. જો સંયુક્ત સરકાર ન બને તો બાકીની મુદ્દત માટે નવેસર ચૂંટણી યોજવી જોઈએ. જો રાજકીય સંજોગો બંધારણીય કટોકટી તરફ દોરી જાય અને પુન:ચૂંટણી જરૂરી બને, તો સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં ત્રણ વર્ષ બાકી હોય તો રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બાકીના ત્રણ વર્ષ માટે વચગાળાની ગઠબંધનની સરકાર અથવા સમાન સમયગાળા માટે ચૂંટણી યોજવાની ભલામણ રિપોર્ટમાં રજૂ કરાઈ છે.
સમિતિ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર પણ કામ કરી રહી છે
કાયદા પંચ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ પણ ‘વન નેશન, વન ઇલેક્શન’ પર કામ કરી રહી છે. કોવિંદ સમિતિ બંધારણ અને હાલના કાયદાકીય માળખામાં ફેરફાર કરીને લોકસભા, રાજ્યની વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એક સાથે કેવી રીતે યોજી શકાય તેની શક્યતાઓ પર વિચાર કરી રહી છે. આ વર્ષે એપ્રિલ-મેમાં 18મી લોકસભાની ચૂંટણી સાથે ઓછામાં ઓછી પાંચ વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે.
આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે
આ વર્ષના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. આવતા વર્ષે બિહાર અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આસામ, બંગાળ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં 2026માં અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુરમાં 2027માં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના છે. જ્યારે 2028 માં ઓછામાં ઓછાં નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે – ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, કર્ણાટક, મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા.
આ પણ વાંચો: શું 2029માં ‘વન નેશન વન ઇલેક્શન’ થશે? કોઈપણ રાજ્યની સરકાર અધવચ્ચે પડી જાય તો… ?