જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી 5.40 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની ધરપકડ
જામનગરઃ ખીજડિયા બાયપાસ પાસેથી 5.40 લાખની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 5.50 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરમાંથી પણ નશીલા પદાર્થ મળી આવવાની ઘટનાઓ અનેક વખતે બનતી હોય છે. ત્યારે પોલીસડા પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ નશીલા પદાર્થ સાથે એક શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. આ અંગેની વધુ વિગત મુજબ એસઓજીના દિનેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસવડાની સૂચનાથી પીઆઈ કે.કે.ગોહિલ તથા સ્ટાફે ખીજડીયા બાયપાસ પાસેથી શબીર ઇકબાલ વાઘેર (ઉ.વ. 25) (રહે. વાઘેરવાડો મરછી માર્કેટ જામનગર) નામના શખ્સને 5.40 લાખની કિંમતનો 54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો સાથે કુલ 5.50 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે.
એસઓજીની ટીમે શબીર ઇકબાલ વાઘેરની ધરપકડ કરી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથેનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ નશીલા પદાર્થનો જથ્થો જામનગરમાં રહેતા સમીર ઇકબાલ બસરના કહેવાથી અમદાવાદના આદીલ નામના શખ્સ પાસેથી વેચાણ કરવા માટે ખરીદ કર્યા હોવાની કેફિયત આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે સમીર તથા આદીલ નામના શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.