ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૉકલેટ ખાધા બાદ દોઢ વર્ષની બાળકીને થવા લાગી લોહીની ઉલટી, તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

ચંદીગઢ (પંજાબ), 20 એપ્રિલ: પંજાબમાં દોઢ વર્ષની બાળકીએ ચૉકલેટ ખાધા બાદ લોહીની ઉલટી થવા લાગી. બાળકી લુધિયાણામાં રહેતી હતી. બાળકી માટે ચૉકલેટ એ જ પટિયાલા શહેરમાંથી ખરીદવામાં આવી હતી જ્યાં થોડા દિવસ પહેલા કેક ખાધા બાદ બાળકીનું તેના જન્મદિવસે મૃત્યુ થયું હતું. આ વાતની જાણ થતાં જ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. અધિકારીઓ તરત જ એ દુકાને પહોચ્યાં જ્યાંથી બાળકીએ ચૉકલેટ ખરીદી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, આ ચૉકલેટ એક્સપાયરી ડેટની હતી. જો કે, હાલમાં માસૂમ હોસ્પિટલમાં દાખલ છે.

નાની બાળકી હોસ્પિટલમાં દાખલ

બાળકીના સંબંધી વિક્કીએ જણાવ્યું કે, રાવિયા થોડા દિવસ પહેલા લુધિયાણાથી પટિયાલા સ્થિત તેના ઘરે આવી હતી. જ્યારે તે લુધિયાણા જતી હતી ત્યારે તેના માટે દુકાનમાંથી એક ગિફ્ટ પેક કરીને આપ્યું હતું. જેમાં ચીપ્સ, જ્યુસ અને ચૉકલેટ્સ હતા. તેમણે આ બધું રાવિયાને આપ્યું અને તે પોતાના ઘરે જતી રહી. જ્યારે તેણે લુધિયાણા પહોંચીને ચૉકલેટ ખાધી તો તરત જ ઉલટી થવા લાગી. ત્યાર બાદ તેને લોહીની ઉલટી થવા લાગી. પહેલા ઘરમાં બધાને લાગ્યું કે આ સામાન્ય છે. પરંતુ બાળકીની તબિયત એકદમ લથડી ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગને ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઈ

વિક્કીએ જણાવ્યું કે, આ વાતની જાણ થતાં જ આરોગ્ય વિભાગને ફરિયાદ કરી. આરોગ્ય અધિકારીઓની ટીમ સાથે તે તરત જ તે દુકાન પર ગયો જ્યાંથી છોકરી માટે ગિફ્ટ બાસ્કેટ ખરીદવામાં આવી હતી. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે તેને આપવામાં આવેલી ચૉકલેટ એક્સપાયરી ડેટની છે. આરોગ્ય વિભાગની ટીમે દુકાનમાં પડેલી તમામ એક્સપાયર ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. આ પછી પોલીસને પણ દોડી આવી હતી. પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતા. જે બાદ હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે પણ મુદત પૂરી થઈ ગયેલી વસ્તુઓ વેચવા અંગે તપાસ શરૂ કરી છે.

માધવીનું કેક ખાવાથી મૃત્યુ થયું હતું

થોડા દિવસો પહેલા પટિયાલામાં 11 વર્ષની બાળકી માધવીએ તેના જન્મદિવસ પર Zomato પરથી ઑનલાઇન કેક ઓર્ડર કરી હતી. તે ખાધા પછી માધવીની તબિયત બગડી અને તેનું મૃત્યુ થયું. તપાસમાં સામે આવ્યું છે કે જે બેકરીમાંથી કેક ઑનલાઈન મંગાવવામાં આવી હતી તે બેકરી ખરેખર અસ્તિત્વમાં નથી. અન્ય કેટલીક બેકરીઓએ નકલી ફર્મ બનાવી છે. આ ઉપરાંત, કેક પણ વાસી હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો: ઑનલાઇન મંગાવેલી કેક ખાતા બાળકીનું મૃત્યુ, પરિવારના 4 સભ્યો માંડ માંડ બચ્યા

Back to top button